- મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવાઇ
- પોલીસે કલર પ્રિન્ટરને છાપેલી નકલી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
- આરોપીઓના 10 દિવસના રિમાન્ડની કરાઈ માગ
મહેસાણા: ભારતમાં નોટબંધી બાદ સરકારનો ડુપ્લીકેટ નોટોનું ચલણ ડામવાનો ઈરાદો પાર નથી પડી રહ્યો. મહેસાણા ખાતે HDFC બેંકમાં એક વેપારીએ 200 ના દરની 100 નોટો લેખે 20, 000 રૂપિયા જમા કરાવતા બેન્ક મેનેજરને તે નોટો નકલી હોવાનું માલુમ પડ્યું હતું જેના આધારે બેન્ક મેનેજરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ચલણી નોટો છાપકામ કરવાના મશીન સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
નકલી નોટો મામલે બેંકમાં પૈસા જમા કરાવનાર મહેસાણાના વેપારીની પૂછપરછ કરતા તેમને તે નોટો બેચારજીના પ્રોવિજન સ્ટોરના વેપારીએ આપી હોવાની હકીકત મળી હતી જે આધારે પોલીસે તપાસનો સિલસિલો આગળ વધારતા બેચારજીના વેપારીએ તે નોટો રાજકોટથી ઉઘરાણી પેટે આવેલા 40 હજારના પેમેન્ટમાં આવી હોવાની માહિતી આપી હતી. આમ નકલી ચલણી નોટોનું પગેરું રાજકોટમાં હોવાથી મહેસાણા જિલ્લા પોલીસની ટીમે રાજકોટમાં જઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં નકલી ચલણી નોટો છાપકામ કરવાના મશીન સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. જેમની સ્થળ પર થી અટકાયત કરી પૂછપરછ કરતા જડપાયેલ આરોપીઓનો નકલી નોટો બજારમાં ફેલાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં આરોપીઓએ ચોટીલા, રાજકોટ અને ભાવનગર સહિતના વિસ્તારમાં નકલી ચલણી નોટોથી ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની કોર્ટમાં માગ કરી છે.