- મહેસાણા LCB ઝડપેલા નકલી પોલીસ કાંડમાં ચાણસ્માનો અસલી હેડ કોન્સ્ટેબલ પણ પકડાયો
- મહેસાણામાંથી ઝડપાયેલા નકલી પોલીસની તપાસમાં અસલીની સંડોવણી સામે આવી
- ચાણસ્મા પોલીસનો હેડ કોન્સ્ટેબલ કિરણ પટણી છેલ્લા 3 વર્ષથી આ કાંડમાં ભળેલો હતો
- નકલી પોલીસને યુનિફોર્મ પણ આ કિરણે આપ્યો હતો
- મહેસાણા LCBએ કિરણની ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા
મહેસાણાઃ જિલ્લામાં નકલી પોલીસ નાગરિકોને છેતરતી હોવા મામલે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિદ્ધપુરના 3 શખ્સની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસની સઘન તપાસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓ સાથે અન્ય સાગરિતોની વિગતો બહાર આવી હતી. જેમાં એક ચાણસ્મા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરણ પટણીનું નામ ખૂલ્યું હતું. જેથી એલસીબીએ કિરણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા છે.
પોલીસ તપાસમાં અસલી કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવી
નકલી પોલીસ બનેલા શખ્સ લોકોને છેતરવા મહેસાણાના વિવિધ જિલ્લાઓમાં ખોટી તપાસ અને કાર્યાવાહી કરતા હતા. જે બાબત મહેસાણા જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી ભોગ બનનારને ન્યાય અપવવા કાર્યવાહી કરી હતી. જો કે, આ નકલી પોલીસ બનેલા શખ્સોને યુનિફોર્મ અને આઈડી કાર્ડ સહિત ટ્રાન્સફર વોરન્ટ ક્યાંથી પ્રાપ્ત થયા મામલે તપાસ કરતા નકલી પોલીસ કાંડમાં ચાણસ્મા પોલીસ મથકના અસલી પોલીસ કોન્સ્ટેબલ કિરણ પટણીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેની ધરપકડ કરી પૂછપરછ કરતાં નકલી પોલીસ બની લોકોને છેતરવા આરોપી કિરણને ફોન કરી પોતાના ઉપરી સાહેબ હોવાનું તરખટ રચતા હતા, તો પોલીસનો યુનિફોર્મ પણ તેમને હેડ કોન્સ્ટેબલ કિરણ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે આ ગુનામાં સામેલ વધુ લોકોની કડીઓ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.