ખેરાલુ તાલુકાની સ્થિતિ પછાત વિસ્તારની છે. જ્યાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો વસવાટ કરે છે, ત્યારે આવા જ એક પરિવારમાંથી આવતા 12 વર્ષીય ગજેન્દ્ર ઠાકોર નામનો વિધ્યાર્થી મલેકપુર ભાંઠા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. જ્યાં શાળા કાર્ય દરમિયાન બ્રેકના સમયે શાળાના મેદાનમાં રમતા રમતા પાણીની મોટરના વીજ જોડાણ સાથે અડકી જતા વીજળીનો ભારેખમ ઝટકો લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાને પગલે શાળાના શિક્ષકોએ મૃતકના પરિવાજનોને જાણ કરી ખેરાલુ પોલીસની મદદ લેતા મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો છે. જોકે આ સમગ્ર ઘટનામાં શાળાના શિક્ષકો સામે ગામ લોકોએ બેદરકારીનો આક્ષેપ કરતા ભારે ચકચાર મચી છે, ત્યારે ઘટનામાં વિદ્યાર્થીના મોત અંગેના ચોક્કસ કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવશે જ પરંતુ, શાળામાં વીજ કરંટ લાગે તે બાબત બેદરકારીથી ઓછી ન કહી શકાય, ત્યારે શાળાઓમાં પણ ભયજનક ઇલેક્ટ્રિક વપરાશ સહિતના જોખમોની યોગ્ય વ્યવસ્થા કરવા પણ જરૂરી બન્યા છે.