વડનગર એ એક ઇતિહાસિક નગરી સાથે વડાપ્રધાનના વતન તરીકે હાલમાં દેશ વિદેશમાં નામના ધરાવે છે. પરંતુ ઉત્તરાયણ નજીક હોય ત્યારે આ જ વડનગર પતંગની દોરી માટે પણ દેશ વિદેશ વસતા લોકોને પોતાની યાદ અપાવે છે. અહીં વર્ષો પહેલાથી થાંભલા પદ્ધતિથી પતંગની દોરી પીવડાવવાની પરંપરા છે અને અહીંયા થાંભલે પીવડાવેલી દોરી એટલે પતંગ રસિયાઓ માટે વડનગરની એક જુદી જ ઓળખ અપાવે છે.
સ્વાભાવિક રીતે ભારત એ વિવિધતામાં એકતા દર્શાવતો દેશ છે અને ભારતમાં કોઈ પણ ધર્મના તહેવાર એ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવાય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર આવે તે પહેલાં ત્રણ- ચાર મહિના પહેલા વડનગરના આંગણે અવસરની તૈયારી થતી હોય તેમ થાંભલે દોરી પીવડાવવાની શરૂઆત થઈ જાય છે. દેશ-વિદેશમાં રહેતા લોકો પતંગની મજા લેવા વડનગરમાં આવી થાંભલે પીવડાવે છે.
વડનગરમાં વર્ષો પહેલા જ્યારે યાંત્રિક સુવિધા ન હતી. ત્યારે ઉત્તરાયણની મોજ માણવા દોરીને બે થાંભલા પર વીંટવામાં આવતી હતી. એક વાસણમાં કલર અને લૂગડીનું મિશ્રણ અને તેમાં જ દોરીનું રીલ રાખવામાં આવતું. આમ એક થાંભલેથી બીજા થાંભલે આંટાફેરા મારી દોરી તૈયાર કરવામાં આવતી હતી.
આજે 50-60 વર્ષ જૂની પરંપરા અને વારસાગત કારીગરી જાળવી રાખતા અહીંના શ્રમજીવી પરિવારો આજે પણ લોકોની માગને પગલે થાંભલા પદ્ધતિથી દોરી પાવી આપી રહ્યા છે. કારીગરના મત મુજબ ચરખામાં દોરીની ચપટી સરખી નથી આવતી અને દોરો કાચો રહેતો હોય છે. જ્યારે થાંભલા પર દોરી પાવાની કારીગરી એ પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણના દિવસે રંગ રાખી આપે છે. કારણ કે, બે થાંભલા વચ્ચે દોરી લટકતી રહેતા ઝડપી અને સારી રીતે સુકાઈ જાય છે જેના પર લાગેલો રસ પણ દોરીને સારી મજબૂતાઈ આપે છે.
એક સમય વડનગરમાં ગલી-ગલી અને મ્હોલ્લે મ્હોલ્લે થાંભલે દોરીઓ પીવડાવતી હતી. જોકે હાલમાં આ પરંપરા વર્ષે દિવસે લુપ્ત થતી જઈ રહી છે. દોરીની માગ અને મજૂરીની માથાકૂટમાં હવે વડનગરમાં પણ ચરખા એ દોરી પીવડાવવામાં સ્થાન લઈ લીધું છે પરંતુ વડનગરની થાંભલા પદ્ધતિથી આકર્ષિત પરપ્રાંત સહિત રાજ્યના પતંગ રસિયાઓ માટે ગણીગાંઠી જગ્યાઓ પર આજે પણ વડનગરની પ્રખ્યાત દોરી પીવડાવવામાં આવી રહી છે.