- 150 બેડની સુવિધા સાથે ફરી એકવાર સેવા આપશે આ કોવિડ સેન્ટર
- ICU, વેન્ટિલેટર સુવિધા સાથે અહીં સારવાર આપવામાં આવશે
- નીતિન પટેલની સૂચનાથી મહેસાણામાં કોવિડ કેર સેન્ટર પુનઃ શરૂ થશે
મહેસાણા: જિલ્લામાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં દિવસના 100થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં આવતા સંક્રમિત દર્દીઓ માટે વધુ બેડની જરૂરિયાત વર્તાતી હોવાથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જિલ્લામાં અગાઉ કોરોના દર્દીઓ માટે સારી સેવા કરનારા સાંઈ ક્રિષ્ના કોવિડ સેન્ટરને પુનઃ કાર્યરત કરવા માટે તંત્રને આદેશ આપ્યા છે.
150 બેડ ICU સુવિધા સાથે કાર્યરત થશે
મહેસાણા જિલ્લામાં પહેલી વાર કોરોનાનો પગપેસારો થયો ત્યારે સંક્રમિત દર્દીઓ માટે સરકારે ખાનગી સંસ્થાનું સાંઈ ક્રિષ્ના બિલ્ડીંગ MOU કરીને કાર્યરત કરતા હજારો દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી હતી. ફરી એકવાર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી આરોગ્ય પ્રધાનની સૂચના મુજબ તંત્ર દ્વારા આ હોસ્પિટલને સંભાળી લેવામાં આવ્યું છે અને જરૂરી મશીનરી અને સ્ટાફની ફાળવણી કરીને 150 બેડની ICU હોસ્પિટલ પુનઃ કાર્યરત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.