મહેસાણા જિલ્લો સામાન્ય રીતે ખેતી અને પશુપાલન વ્યવસાય પર આધારીત છે. આ જિલ્લામાં નાગરિકોના આર્થિક આવકના આ જ બે મુખ્ય બે સ્ત્રોત છે. પરંતુ કુદરતી કહેર અને ઓછા વરસાદના કારણે આકરા ઉનાળામાં પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જળવ્યવસ્થાપનના અભાવે જીવાદોરી માનવામાં આવતો મહેસાણા જિલ્લાનો એક માત્ર ધરોઈ ડેમ પણ પાણી પુરુ પાડી શકતો નથી.
ધરોઈ બંધ એ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે. જેનું મુખ્ય નામ ધરોઇ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ છે. આ બંધ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ નજીક આવેલા આ ડેમના નિર્માણનું કામ 1978 માં પૂર્ણ થયુ હતું. આ બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂર નિયંત્રણનો છે. 907.88 મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતા ધરાવતો આ ડેમ છે 150 ફૂટ ઊંચાઈ અને 4000 ફૂટ લંબાઈનો છે.
મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઈ ડેમમાં 28716 MCFT(મિલિયન ક્યુબક ફીટ ટુ લિટર્સ) પાણીની સંગ્રહ શક્તિ છે. જે પૈકી હાલમાં 4600 MCFT પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહિત છે.આમ વર્ષો બાદ ધરોઈ ડેમમાં માત્ર 16 ટકા જ ભરેલો છે. ડેમ દ્વારા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના 365 ગામડાઓ અને 9 શહેરોને માત્ર પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જે માત્ર ઓગસ્ટ માસ સુધી ઉપયોગમાં આવી શકશે. આમ ધરોઈ ડેમ ચાલુ વર્ષે પીવાના પાણી આપવામાં ઉપયોગી રહ્યો છે. પરંતુ ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોની આશા પર પર પાણી ફરી વળ્યું છે
ધરોઈ ડેમ ચાલુ વર્ષે વરસાદ અને આયોજનના અભાવે ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તો ગામના તળાવો અને કુવાના તળિયા પણ નીચે ઉતરતાં જઈ રહ્યા છે. આમ ખેડૂતોને પાકમાં ઓછું વાવેતર અને પાણીના અભાવે પાકનું નુકસાન થયું છે. તો બીજી તરફ પશુ પાલકો પણ પોતે પાણી પૂરતું ન મળતા ઢોર ઢાંકરને સાચવવામાં પરેશાની અનુભવી રહ્યા છે. આ અંગે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.