મહેસાણાઃ કોરોના વાઈરસની મહામારી સમયે અનેક પડકારો સામે આવ્યા છે, ત્યાં શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય પણ બંધ રહ્યું હતું. આમ જ્યારે લોકો ઘરમાં બેસી ફ્રી સમય વિતાવવા મજબૂર બન્યા હતા, ત્યાં મહેસાણા જિલ્લામાં આવેલ પ્રકૃતિનું જતન કરવા કટિબદ્ધ એવી મોટીદાઉ ગામની સરકારી અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન પંચાલ દ્વારા ફ્રી સમયનો સદુપયોગ કરતા હતા. પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત પ્લાસ્ટી બેગનો ઉપયોગ ઘટે અને જમીનના પર્યાવરણની જાળવણી થાય તેવા આશ્રયથી પોતાના ઘરે પડેલા સ્વચ્છ પસ્તી પેપરને ફોલ્ડ કરી પેપર બેગ બનાવવાનો એક નાનકડો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
શિક્ષિકા દ્વારા પેપર બેગ બનાવવાની પોતાની આ કામગીરીને યોગ્ય પદ્ધતિ સાથે દર્શાવી એક વીડિયો બનાવી શાળામાં અભ્યાસ કરતા 300 ઉપરાંત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. જે વીડિઓ જોતા વિદ્યાર્થીઓએ પણ પોતાના શિક્ષકનું માર્ગદર્શન મેળવી અને વાલીઓના સહયોગથી ઘરે બેઠા પેપર બેગ બનાવવાનું કામ શરૂ કર્યું, આમ જોત-જોતામાં જમીન પર્યાવરણના સંરક્ષણ માટે શિક્ષિકાના નાનકડા પ્રયાસે વિદ્યાર્થીઓ થકી અઢળક પેપર બેગનું નિર્માણ કરી બતાવ્યું છે. આજે આ તૈયાર કરાયેલા પેપર બેગ નિઃશુલ્ક રીતે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલોમાં વિતરણ કરાતા પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપર બેગ મેડિકલ સ્ટોરની દવા સામગ્રી સહિત સામાન્ય વજન ધરાવતી ચીજ વસ્તુઓ ભરવા માટે ઉપયોગમાં આવી આવી રહી છે.
પેપર બેગ માટે વિદ્યાર્થીઓ ઘરમાં પડેલી સ્વચ્છ પેપર પસ્તીનો ઉપયોગ કરી તેને બે બાજુ ફોલ્ડ કરી ગુંદર વડે ચિપકાવી અને કાતરની મદદથી ઉપરના ભાગે કટિંગ કરતા હાથમાં પકડી શકાય તેવી પેપર બેગ તૈયાર કરી રહ્યા છે. ખૂબ ઓછા સમયમાં અને કોઈ પ્રકારના મોટા આર્થિક ખર્ચ સિવાય વિદ્યાર્થીઓ લોકડાઉનનો સદુપયોગ કરી પર્યાવરણની જાળવણી માટે પેપર બેગ બનાવી છે. આમ શિક્ષિકા અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજને પ્લાસ્ટી બેગનો ઉપયોગ ન કરી પેપર બેગનો વપરાશ કરવા માટે પ્રેરણા પુરી પાડવામાં આવી છે.
આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યા સામે વિશ્વ આખું ચિંતિત છે, ત્યાં આ પ્રકારની કાર્યશૈલીથી પ્રકૃતિના જતન માટે બાળકોમાં બાળઆયુથી જ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જાગે માટે એક સરકારી શાળાની શિક્ષિકાએ પોતાનામાં રહેલું જ્ઞાન લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અનોખું પ્રેરણાત્મક કાર્ય કરી બતાવ્યું છે.