- મહેસાણામાં હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવકનું મોત થતા પોલીસ તપાસનો ધમધમાટ
- 3 દિવસ બાદ મોત નીપજ્યું હોવાને લઇ પેનલ પીએમ કરાવાયું
- મૃતક યુવકના પરિવાર જનોએ મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે નિવેદન આપી રજૂઆત કરી
મહેસાણા: જિલ્લામાં વિસનગરના ખંડોસણ ગામના યુવકનું મહેસાણામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના ત્રીજા દિવસે શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ સારવાર આપનારા તબીબ સામે આક્ષેપો ઉઠાવ્યા છે. જેને લઈ મહેસાણા બી-ડિવિઝન પોલીસે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: બજારો ખુલતાં જ રાજકોટ અધધ એડવાન્સ બુકીંગ...
હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ખંડોસણ ગામે રહેતા 31 વર્ષીય અરવિંદ ચૌધરીએ મહેસાણા ખાતે આવેલા ડો. હિરેન ઓઝાના ત્યાં હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરાવી હતી. જ્યાં સારવાર લઈ ડિસ્ચાર્જ મેળવ્યાના 3 દિવસ બાદ યુવકનું આકસ્મિક રીતે મોત નિપજતા યુવકના મોત પાછળ શંકાઓ તેજ બની છે. જોકે મૃતકના પરિવારે જાહેરમાં નિવેદન આપવાનું ટાળ્યું હતું અને સમગ્ર મામલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં નિવેદન લખાવ્યું હતું. જે મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, યુવકનું ત્રણ દિવસ પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતું અને આજે મોત થતા સમગ્ર મામલો સામે આવતા હાલમાં પોલીસે પ્રાઇમરી એક્સિનડેન્ટલ ડેથના આધારે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરાવેલા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કેટલીક હકીકતો સામે આવશે.