મોઢેરા પંચાયતમાં સરકારી બાબુઓ પૈસા વગર કામ કરતા નથી. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. મોઢેરા ગ્રામ પંચાયતમાં એક અરજદારે પોતાના પિતાના નામના પ્લોટની વારસાઈ કરાવવા અરજી કરી હતી. તલાટી અને ક્લાર્કે અરજદારની વારસાઈ માટે 10 હજારની લાંચ માંગી હતી.
અરજદાર આ લાંચ આપવા ઇચ્છતા ન હતા. તેઓએ મહેસાણા ACBનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી. ACBના ગોઠવેલા છટકા પ્રમાણે તેઓ ગ્રામ પંચાયતમાં 10 હજારની લાંચ આપવા ગયા હતા.
હાજર તલાટી અને કલાર્ક લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે 57 વર્ષીય તલાટી કમ મંત્રી મનુ કરશનભાઈ ચૌહાણ અને હંગામી ક્લાર્ક રામુ શુજાજીની અટકાયત કરી હતી. મોઢેરા પોલીસ મથકે લાંચ રૂશ્વત કાયદા અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.