- હેલ્મેટ અને સીટ બેલ્ટ ન લગાવતા અકસ્માતમાં મોટાભાગના લોકોનું મોત
- ટ્રાફિક નિયમનોનું પાલન માર્ગ સલામતીનું મોટું સાધન.!
- એક વર્ષમાં હેલ્મેટ ન પહેરતા 216 અને સીટ બેલ્ટ ન લગાવતા 154 લોકો અકસ્માતનો ભોગ બન્યા
મહેસાણા : અત્યારના સમયે વાહનોની સંખ્યામાં એટલો મોટો વધારો નોંધાયો છે. એક પરિવાર કે શેરીમાં માથાદીઠ વાહન જોવા મળે છે. ત્યારે ગામ હોય કે શહેર રસ્તાઓ પર મહિલાઓ, પુરુષો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં પરિવહન માટે કરી રહ્યા છે, ત્યારે હાલના સમયમાં રસ્તાઓ પર વાહન ચાલવવું ખૂબ જોખમી બન્યું છે. જેથી કેટલીક વાર કોઈ બીજાની કે પોતાની બેદરકારીથી અકસ્માતના સંજોગો પણ વધી રહ્યા છે.
ગત એક વર્ષમાં 182 ફેટલ અકસ્માત
મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત એક વર્ષમાં 182 ફેટલ અકસ્માત, 153 લોકોને અકસ્માતમાં ગંભીર ઇજાઓ, 80 લોકોને સામાન્ય ઇજાઓ મામલે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે 13 ફરિયાદમાં અકસ્માત થયો હોવા છતાં કોઈને કોઈ પ્રકારે ઇજાઓ પહોંચી નથી તેવી વિગતો નોંધાઇ છે.
મહેસાણા જિલ્લામાં એક વર્ષની અંદર 678 લોકો અકસ્માતનો ભોગ બન્યા
મહેસાણા જિલ્લામાં કુલ 201 લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે. તેમજ 249 લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 128 લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ સાથે મહેસાણા જિલ્લામાં અકસ્માતમાં કુલ 678 લોકો ભોગ બન્યા છે.
મહેસાણા જિલ્લામાં હેલ્મેટ વગર 87 લોકોના મોત અને 117 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હેલ્મેટ અંગેની જાગૃતિ પર ETV BHARATએ મહેસાણા જિલ્લામાં ટુ વ્હીલર સાથે બનેલા અકસ્માતની ઘટનાઓ પર નજર કરી તો, મહેસાણા જિલ્લામાં ટુ વ્હીલર પર અકસ્માત સર્જાતા ગત એક વર્ષમાં કુલ 87 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 117 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને 62 લોકો સામાન્ય ઇજાનો ભોગ બન્યા છે. આ સાથે જ 3 અકસ્માતમાં વાહન પર સવારનો બચાવ થયો છે.
ટ્રાફિક નિયમનોના ઉલ્લંઘનથી અકસ્માતની સંખ્યામાં વધારો
ETV BHARAT દ્વારા મહેસાણા પોલીસ પાસેથી જ્યારે અકસ્માત અંગેના કારણો જાણવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે અકસ્માત થવા પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક નિયમનોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 84 ટકા અકસ્માતમાં લોકો હેલ્મેટ ન પહેર્યું હોય કે સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે 66 ટકા વાહનોના અકસ્માત પાછળ જેતે વાહનની વયમર્યાદા 5થી 15 વર્ષની હોય તે મેન્ટેન્સના અભાવે અકસ્માતનું કારણ બન્યા હોવાની વિગતો સામે આવી છે. 40 ટકા લોકો સાંજના સમયે પોતાના ઘરે જવા નોકરી ધંધાથી પરત ફરતા હોય છે, ત્યારે ટ્રાફિક વધારે સર્જતો હોય છે, જેમાં કેટલાક લોકો અતિ ઝડપે વાહનો હંકારતા હોય છે, તેવા કિસ્સાઓમાં બેદરકારી દાખવતા અકસ્માત સર્જાતા હોય છે.
એક વર્ષમાં હેલ્મેટ ન પહેરતા 216 અને સીટ બેલ્ટ ન લગાવતા 154 લોકો અકસ્માતનો ભોગ બન્યા
મહેસાણા જિલ્લામાં કુલ 216 લોકો હેલ્મેટ ન પહેર્યું હોવાથી અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 86 લોકોના મોત થયા છે, જ્યારે 61 લોકો અતિગંભીર રિતે ઇજાગ્રસ્ત થયા છે અને 69 લોકોને સામન્ય ઇજાઓ પહોંચી છે. મહત્વનું છે કે, ફોર વ્હીલરમાં પણ સીટ બેલ્ટ ન લગાવતા કુલ 154 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે જેમાં 68 લોકોના મોત, 62 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને 19 લોકોને સામન્ય ઇજાઓ પહોંચી છે. અકસ્માત અંગેની સમગ્ર માહિતી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે. અતિ વ્યસ્ત પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારી મહત્વના કામે ફરજ પર રોકાયેલા હોવાથી કેમેરા સામે આવી તેમને આ માહિતી આપી શક્યા નથી.
ટ્રાફિક નિયમનોનું પાલન માર્ગ સલામતીનું મોટું સાધન...!
મહત્વનું છે કે, વાહન પર પરિવહન રોજિંદી ક્રિયા થઈ ગઈ છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી અને શાળા કોલેજો પર જઈ ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો આપવામાં આવે છે, તેટલું જ નહીં પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિક નિયમનોનું પાલન કરાવવા સતત ફરક પર ખડે પગે રહી કાર્યવાહી કરવામાં આવે છે, તો ક્યાંક પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને પોતાની સલામતી રાખવા અંગે જાગૃત કરવામાં આવે છે અને ગણા ખરા સુત્રોચ્ચાર દ્વારા પણ સંદેશો આપવામાં આવે છે. જે માટે ભારતના એક જગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમનોનું પાલન કરવું અને સલામતી વર્તવી એ સૌ કોઈની ફરજ અને જવાબદારી રહી છે.