કોરોના સામે જનજાગૃતિ લાવવા સુરક્ષા રથનું પ્રસ્થાન
કોવિડ-19 સુરક્ષા સેતુના 2 રથને અપાઇ લીલી ઝંડી
સુરક્ષા રથ ગ્રામ્ય-શહેરી કક્ષાએ કોરોના અટકાયતીનો કરશે પ્રસાર
મહેસાણા: જિલ્લામાં કોરોના વાઇરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કોવિડ અંગે લોકો જાગૃત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બે કોવિડ-19 સુરક્ષા સેતુ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે. સોની સહિત પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં 2 કોવિડ જનજાગૃતિ રથને લીલી ઝંડી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોવિડ-19ની માર્ગદર્શિકા તેમજ પાલન બાબતે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે આ રથ પરિભ્રમણ કરી સમજ આપશે.
મહેસાણા જિલ્લામાં કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ફરજીયાત માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા અને સેનીટાઇઝર કરવા પર ભાર મુક્યો છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ માસ્ક ન પહેરવા બદલ માતબર દંડ કરાયો છે. આ ઉપરાંત કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન નહીં કરવા બદલ પણ દંડ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક કમ્પાઉન્ડથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથને પ્રસ્થાન કરાવાયું હતું.
આ કોવિડ જાગૃતિ રથ જિલ્લાના વિવિધ ગામો અને નગરોમાં પરીભ્રમણ કરી કોરોના સંક્રમણ અટકાયતી પગલાં તેમજ કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરવા સમજ આપી લોકોને જાગૃત કરશે.