- 4 નગરપાલિકામાં ઉમેદવારી માટે કુલ 421 ફોર્મ ગયા
- 10 તાલુકા પંચાયતમાં ઉમેદવારી માટે 394 ફોર્મ ગયા
- જિલ્લા પંચાયતમાં ઉમેદવારી માટે 91 ફોર્મ ગયા
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી પંચની જાહેરાત અનુસાર 08 ફેબ્રુઆરીથી ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરાયું છે. જેમાં ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ 4 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને 01 જિલ્લા પંચાયતમાં નિર્ધારિત બેઠકો પર ઉમેદવારી ઇચ્છતા અરજદારોએ કુલ 906 જેટલા ફોર્મ મેળવ્યા છે.

જિલ્લાની 4 પાલિકામાં 421 ફોર્મ પેટે 21,050ની આવક થઈ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાની 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે જેમાં વિસનગરમાંથી 75, મહેસાણામાંથી 74, કડીમાંથી 22 અને સૌથી વધારે ઊંઝા નગરપાલિકામાંથી 250 ઉમેદવારી ફોર્મ અરજદારો દ્વારા લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ લેવા મામલે કોઇ ફી નથી હોતી જ્યારે નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ મેળવવા માટે 50 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે. જેથી 4 પાલિકા મળી કુલ 421 ઉમેદવારી ફોર્મ અરજદારો દ્વારા લેવામાં આવતા તંત્રને 21,050 રૂપિયા જેટલી આવક થઈ છે.

જિલ્લા પંચાયત માટે 91 અને 10 તાલુકા પંચાયત માટે 394 ફોર્મ વિતરણ કરાયા
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં કડીમાંથી 45, જોટાણામાંથી 35, બેચરાજીમાંથી 20, મહેસાણામાંથી 52, વિસનગરમાંથી 49, વિજાપુરમાંથી 38, વડનગરમાંથી 19, સતલાસણામાંથી 34 અને સૌથી વધુ ઊંઝા તાલુકાપંચાયત માટે 61 મળી ઉમેદવારી ઇચ્છુક અરજદારોએ કુલ 394 જેટલા ફોર્મ મેળવ્યા છે જ્યારે જિલ્લા પંચાયત માટે 91 ફોર્મ વિતરણ કરાયા છે.
પ્રથમ દિવસે જ ઊંઝા પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સૌથી વધુ ફોર્મ ગયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ ઉમેદવારી ઇચ્છુકોના મનમાં ખુજલી જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં ઊંઝા સેન્ટર પરથી જાણે કે ચૂંટણીનો રંગ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ વધુ ચડેલો જોવા મળી રહ્યો છે કારણકે જિલ્લામાં 4 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ વિતરણ કરવાના પ્રથમ દિવસે જ ઊંઝા નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સૌથી વધુ ફોર્મ વિતરણ થયા છે.