મહેસાણાઃ પ્રેમ લગ્નના કાયદામાં પરિવર્તનની માંગ સાથે ગાભુ ગામે બેઠક યોજાઇ હતી. જેમાં કડી ખાતેથી થયેલી આ માંગણીઓની ચર્ચા મહેસાણાના ગાભુ ગામે પણ પહોંચી છે. ગાભુ ગામે સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગામલોકો સાથે રાત્રી બેઠક યોજી પ્રેમ લગ્ન મામલામાં જે ભાગીને લગ્ન કરે છે. તેવું ના બને એટલા માટે કાયદામાં ફેરફારની માગ કરી હતી અને પોતાની પાંચ રજૂઆતોની ચર્ચા કરી હતી.
જેમાં જે યુવક યુવતી 25 વર્ષથી નીચેનાને પ્રેમ લગ્ન કરવા હોયતો મા-બાપની સહી ફરજીયાત હોવી જોઈએ. સાક્ષી બનનાર જે લોકો સહી કરે તેમની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ જેથી તે અનુભવી અને સમજુ હોઈ શકે. જે છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની જ કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ. ગામે ગામ જે તલાટીની હાજરીમાં પ્રેમ લગ્ન થાય છે તે બંધ થવા જોઈએ, 25 વર્ષ પછી જે યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરે તો તે યુવક સરકારમાં છોકરીના નામે 5 લાખ જમા કરાવે અને એ રૂપિયા 10 વર્ષ પછી છોકરીને પાછા મળે. આવા કડક નિયમો લાવી પ્રેમલગ્નના કાયદામાં સરકાર ફેરફાર કરે તે માટે હાલમાં મહેસાણા ખાતે જન આંદોલન થઇ રહ્યું છે.
જો કે, આ આંદોલનને ભોગ બનેલાં પરિવાર અને માતા-પિતા સહિતના સામાજિક આગેવાનો પણ સમર્થન કરી સમાજીક રીતરિવાજ અને સંસ્કૃતિ વિરુદ્ધ થતા પ્રેમલગ્નને અટકાવવામાં સમર્થન દાખવી રહ્યા છે.