મહેસાણાઃ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય ખૂબ સારો છે. લાખો લોકોની રોજી રોટી જિલ્લાની દૂધ સાગર ડેરી પૂરી પાડે છે. ત્યારે ડેરીમાં શરૂ થયેલા રાજકારણના પગલે આજે દેશમાં જે સાગર ઘીનો સ્વાદ અને તંદુરસ્તી હતી તે હવે રહી નથી. તાજેતરમાં દૂધ સાગર ડેરીના રાજસ્થાન યુનિટથી આવતા ઘીના ટેન્કરમાં ભેળસેળ હોવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાન પોલીસે પણ ધીનું ટ્રાન્સપોર્ટેશન કરતા ટેન્કર ચાલકને ટેન્કરમાંથી અસલી ઘી ચોરી કરી અને ઘીમાં ભેળસેળ કરવાનું કારસ્તાન સામે લાવ્યું હતું.
મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા ઘીમાં ભેળસેળ મામલે પત્રકાર પરિષદમાં ખુલાસો કરતા ઘી એક યુનિટથી બીજા યુનિટ મોકલાય છે. ત્યાં ટેન્કરને સીલ મારવામાં આવે છે, જો કે સીલ તોડી ભેળસેળ કરવામાં આવતી હોવાથી તે જવાબદારી ટેન્કર ચાલકની રહેતી હોય છે. જે માટે ટેન્કરમાં ઘીના ભેળસેળ મામલે ટ્રાન્સપોટર પાસેથી 81.81 લાખ રૂપિયા વસૂલાત કરવા કાર્યવાહી કરવામાં આવી છે.
અહીં પત્રકાર પરિષદમાં ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી દ્વારા ડેરીમાં ફેડરેશન અને કેટલાક અન્ય લોકો દ્વારા રાજકીય રીતે મંડળના સત્તાધીશોને ખલેલ પહોંચાડવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ ડેરીની ચૂંટણી રોકવા કલેક્ટરની નોટિસ પણ રાજકીય હોવાનો ઈશારો તેમની વાતમાં કરાયો છે.
ડેરી સત્તાધીશો ઘી મામલામાં આગળ કઈ વિચારી શકે તે પહેલાં રાજ્ય રજિસ્ટારમાંથી ઘીમાં ભેળસેળ મામલે ડેરીના MD નિશિથ બક્ષીને ફરજ પરથી બરતરફ કરવા મંડળને નોટિસ કાઢવામાં આવી છે. અહીં ડેરીમાં રચાયેલા રાજકીય કાવતરામાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવો ઘાટ ઘડાતા MD નિશિથ બક્ષીને સરકારની નોટિસનો અમલ કરી ડેરીના મંડળે ફરજ મોકૂફ કર્યા છે. હાલમાં ડેરીના MDનો ચાર્જ સિનિયર એન્જીનિયરને સોંપવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનામાં ડેરીનો વિવાદ એટલી હદે ચરમસીમાએ પહોંચ્યો છે કે, આજે શનિવારે રાજસ્થાનમાં જયપુર કોર્ટે મુક્ત કરેલા ઘીના ટેન્કર મહેસાણા આવતાની સાથે જ ગોજારીયા પાસેથી લાંગણજ પોલીસે અટકાયત કરી હતી. ટેન્કર અટકાવી ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી અપાયા છે. હાલમાં ટેન્કર મામલે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાવામા આવી નથી. ત્યારે પોલીસે અટકાવેલા ઘી ભરેલા ટેન્કરો પોલીસ હેડક્વાટરમાં મૂકી દેવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના...
- મિલ્ક પ્રોડક્ટ માટે મહેસાણા દૂધ સાગર ડેરી છે પ્રખ્યાત
- સાગર બ્રાન્ડ ઘી પર રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં ભેળસેળનો ડાઘ
- ઘીમાં ભેળસેળની આશંકાને લઈ ડેરી માથી સેમ્પલ લેવાયા હતા
- આ અંગે ડેરી સત્તાધીશોએ ટ્રાન્સપોટરને કસૂરવાર ઠરાવી વસૂલી પ્રક્રિયા હાથ ધરી
- ટેન્કર ચાલકો દ્વારા રાજસ્થાનમાં કરાતી હતી ઘીમાં ભેળસેળ
- રાજસ્થાન પોલીસે પણ કર્યો હતો ઘીમાં ભેળસેળનો પર્દાફાશ
- આગામી ચૂંટણી માટે વહીવટદાર નિમવા કારસો રચાઈ રહ્યો હોવાનો વાઇસ ચેરમેનનો આક્ષેપ
- રાજસ્થાનમાં ઝડપાયેલા ઘીનું ટેન્કર કોર્ટે મુક્ત કર્યા બાદ વધુ એકવાર મહેસાણાના ગોજારીયામાં અટકાવાયું
- ઝડપાયેલા ઘીના ટેન્કર માંથી વધુ એકવાર નમૂના લેવામાં આવ્યા
- હાલમાં કોઈ પુરાવા ન હોઈ ઝડપાયેલા ટેન્કર મામલે કોઇ ફરિયાદ કરાઈ નથી
- સમગ્ર ઘી ભેળસેળ કૌભાંડ મામલે ડેરીના MDને સપેન્ડ કરાયા
- નિશિથ બક્ષીના જગ્યાએ સિનિયર એન્જીનિયરને ચાર્જ સોપાયો