મહેસાણાઃ ભારત કુદરતી સંશાધનોથી સુખી સંપન્ન દેશ છે. ભારત પાસે સૌર ઉર્જાનો અખુટ અને અવિરત ખજાનો છે. આ કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને મહેસાણા જિલ્લાના ઊંજા તાલુકામાં આવેલા ગંગાપુર ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત અધધ કમાણી કરી રહ્યો છે.
આર્મી મેન પિતાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર યુવાને સોલાર પેનલ અને પવનચક્કી ઉભી કરી છે. આ પ્રોજેક્ટને કારણે આ યુવા ખેડૂતની પાણી અને વીજળીની સમસ્યા દૂર થઈ છે. આ સાથે સાથે સોલાર પેનલ અને પવનચક્કી મારફતે વીજળીનું ઉત્પાદન કરી વિદ્યુત બોર્ડને વહેંચી કમાણી પણ કરી રહ્યો છે.
15 વર્ષ પહેલાં યુવા ખેડૂતે વીજળી પાણી સહિતના અનેક પડકાર વચ્ચે કુદરતી શક્તિઓનો ઉપયોગ કરી ગાંધી જેડા અંતર્ગત 90 હજાર અને ગાંધી આશ્રમમાંથી 10 હજારની સહાય મેળવી પોતાની ખેતીને સફળ બનાવી છે. યુવા ખેડૂતની આ પ્રગતિ અને સાહસ માટે સરકારના કૃષિ વિભાગ દ્વારા કૃષિ પ્રધાનના હસ્તે ખેડૂત સન્માન એવોર્ડ પણ આ ખેડૂતને એનાયત કરવામાં આવ્યો છે. આજે પણ આ પ્રોજેક્ટ જોવા માટે અનેક લોકો ગંગાપુર ગામના આ યુવા ખેડૂતના ખેતરની મુલાકાત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જયેશ બારોટ પણ ખેતીના વિષય સંદર્ભે અનેક દેશ વિદેશોની મુલાકત કરી ચૂક્યા છે. આમ આજે મહેસાણા જિલ્લાના એક યુવા ખેડૂત ખેતીમાં જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરી શકાય તેના માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.