મહેસાણાઃ વિસનગરમાં બનાવવામાં આવનાર ઓવર બ્રિજ બનતા ફાટક નજીકના વેપારીઓના વેપાર અને વિસનગર ખેતીવાડી ઉત્પાદન સમિતિનો મેઈન ગેટ બ્રિજના સાઈડમાં નીચેના ભાગે ઢંકાઈ જાય છે. તેના કારણે વેપારીઓના રોજગાર અને માર્કેટયાર્ડના પરિવહન પર મોટી અસર વર્તાશે તેવી આશંકાઓ સાથે વેપારીઓ અને ખેતીવાડી બજાર વિસનગરના હોદેદારો દ્વારા ઓવર બ્રિજ નિર્માણનો વિરોધ દર્શાવી બ્રિજનું કામ રોકવા પહેલ કરવામાં આવી છે.
આ સંદર્ભે વેપારીઓ અને સંઘઠનો દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી બ્રિજનું નિર્માણ ન કરવા રજૂઆત કરવામાં આવશે, સાથે જ આવેદનપત્ર બાદ પણ બ્રિજનું કામ નહીં અટકે તો અહિંસાના માર્ગે ઉપવાસ પર બેસી આગેવાનો અને સમર્થકો દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.