- વિદેશ જવા એજન્ટને મળવા દિલ્લી પહોંચેલા બે યુવકો કબૂતરબાજોની જાળમાં ફસાયાં
- એજન્ટોએ દિલ્લી બોલાવી અપહરણ કર્યું
- ગોંધી રાખી 70 હજાર ડોલરની માગ કરી હતી
મહેસાણાઃ જિલ્લામાં મોટાભાગના ગામડાઓ NRI તરીકે ઓળખાય છે કારણ કે, અહીં મોટાભાગના લોકો સાચી કે ખોટી રીતે વિદેશ પ્રવાસ કરે છે ત્યારે વિદેશ જવાના ટ્રેન્ડમાં જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોએ વિદેશ લઈ જતા એજન્ટોનો સંપર્ક કરી દિલ્લી મુલાકાતે ગયા હતા. જો કે દિલ્લી ગયેલા બન્ને યુવકો વિદેશ જવાના ખોટા કાવતરામાં ફસાઈ ગયા હતા. દિલ્લીમાં કેટલાક કબૂતરબાજોએ તેમનું અપહરણ કરી, ગોંધી રાખીને 70 હજાર ડોલ ની માગણી કરી હતી. જો કે દીકરા પરત ન આવતા તેમના માતા-પિતાએ મહેસાણા જિલ્લા પોલીસને પત્ર દ્વારા જાણ કરી હતી. પોલીસે ત્વરીત કામગીરી હાથ ધરી મહેસાણા LCBની ટીમે દિલ્લી પહોંચી તપાસ કરી હતી અને બન્ને ભોગ બનનારને આરોપીઓની જાળમાંથી મુક્ત કરાવ્યાં હતાં.
હરિયાણા ગુડગાંવથી વિદેશ જવાનું કબૂતરબાજીનું કૌભાંડ ઝડપાયું
મહેસાણા LCBની ટીમે જિલ્લાના બે યુવકને શોધવા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ દિલ્લી અને હરિયાણા તરફ શોધખોળ હાથ ધરી હતી. હરિયાણાના ગુડગાંવથી ભોગ બનનાર યુવકોને બચાવ્યા હતા. તપાસ દરમિયાન લુધિયાણાનાં હરભજનસિંહ રાજપૂત, વિકાસ બરનાલ, ક્લોલના અંકિત દવે, કશ્યપ શાહ અને રાજકોટના જીગર મહેતાની અટકાયત કરી નંદાસણ પોલીસે તમામ 5 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, છેતરપિંડી અને ગોંધી રાખી માર મારવા મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.