કડીમાં રહેતા વિધર્મી યુવકે અન્ય સમાજની છોકરી સાથે લગ્ન કર્યા હતાં. જેને ઘણો સમય પણ વીતી ચુક્યો હતો. યુવક પર રોષ હોવાથી અંગત અદાવત રાખતા હતા ત્યારે મૃતક યુવક પોતાની કારમાં તેના મિત્ર સાથે મહેસાણાથી જાસલપુરના રસ્તે ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં એક કાર અને જીપમાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ યુવકની કારને ટક્કર મારી અકસ્માત સર્જી તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મૃતક યુવકનો મિત્ર ભાગી છૂટ્યો હતો.
જ્યારે ભોગ બનનાર યુવક ભાગે તે પહેલાં તેનું અપહરણ કરી હુમલા ખોરો દ્વારા કડીના ચકલા વિસ્તારમાં જાહેર જગ્યાએ લઈ જઈ ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો, ત્યારે જીવલેણ હુમલાનો ભોગ બનેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા મહેસાણાના પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ સ્થળ મુલાકત કરી ફરિયાદીના નિવેદન આધારે 7 અસામાજિક તત્વો સામે હત્યાના આરોપ સર ફરિયાદ નોંધી જરૂરી પુરાવા મેળવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે, આ ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવક અને આરોપીઓ પહેલેથી જ મારામારી, લૂંટ, ધાક ધમકી સહિતની ગુનાહિત અને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ છે. જ્યારે બંન્ને સામે અનેક પોલીસ ફરિયાદો પણ નોંધાયેલ છે, ત્યારે આરોપીઓની આ વધુ એક કરતુતે કડી પોલીસની આબરૂના લિરે લિરા ઉડાવ્યા છે. જોકે હવે પોલીસ આરોપીઓને પકડાવામાં ક્યારે સફળ થાય છે તે તો જોવું રહ્યું.