- ગુજરાતનાં યુવાધનને શારીરિક સશક્ત બનાવવા નવતર અભિયાન
- મોબાઈલ ટુ સ્પોર્ટસ નામના નવતર અભિયાનની શરૂઆત
- જિલ્લાકક્ષાની સ્પર્ધા 12થી 18 ડિસેમ્બર સુધી યોજાશે
મહેસાણા: મુખ્યપ્રધાન દ્વારા 1 ઓક્ટોબર 2020ના રોજ રાજ્યના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટસ”ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. કોરોનાના વર્તમાન વિષમ સંજોગોમાં યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની માગ છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ થાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 દરમિયાન “મોબાઈલ ટુ સ્પોર્ટસ”ની નવી યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનાને “મોબાઈલ ટુ સ્પોર્ટસ” ફેસબુક પેજ યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ચિત્રસ્પર્ધા ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા જાણીતા ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વીડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે આકર્ષિત કરવામાં આવશે.
વિવિધ વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે
આ હેતુને પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ગાયન જેમાં સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય સંગીત, લોકગીત અને ભજનનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના, 15થી 20 વર્ષ સુધીના, 21થી 59 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે 5થી 7 મિનિટની વીડિયો ક્લિપ તૈયાર કરી 18 ડિસેમ્બર બપોરે 12 કલાક સુધી કચેરીના સમય દરમિયાન પોતાના જિલ્લામાં આવેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા 1 હજાર, દ્વિતિય વિજેતાને રૂપિયા 750 અને તૃતિય વિજેતાને રૂપિયા 500નું ઈનામ આપવામાં આવશે.
પસંદગી પામેલાને આશ્વાસન ઈનામ આપવામાં આવશે
રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી 10 વિજેતાની પસંદગી કરવામાં આવશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂપિયા 25 હજાર, દ્વિતીય વિજેતાને રૂપિયા 15 હજાર અને તૃતીય વિજેતાને રૂપિયા 10 હજારનું ઈનામ આપવામા આવશે. બાકીના અન્ય સાત વિજેતાઓને પ્રત્યેકને રૂપિયા 5 હજાર મુજબ ઈનામ આપવામાં આવશે.
સ્પર્ધા અંગેની માહિતી ઓનલાઈન મુકવામાં આવી
આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટુ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK ensUaz-g પરથી મળી શકશે. તેમ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી છે.