મહેસાણાઃ અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનામાં 8 કોવિડ-19 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ETV BHARATએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી મહેસાણા જિલ્લાની હોસ્પિટલ્સની રિયાલિટી ચેક કરી હતી. જેમાં અનેક બેદરકારીઓ સામે આવી છે.
કોવિડ-19 માટે કાર્યરત સાંઈ ક્રિષ્ના હોસ્પિટલને સરકાર હસ્તક સંચાલન કરી દર્દીઓને સારવાર કરવામાં આવે છે. મહેસાણાના ફાયર એન્ડ સેફ્ટી ઇન્સ્પેક્ટર પાસેથી મળતી માહિતી મુજબ, આ હોસ્પિટલમાં ફાયર ઈકવિપમેન્ટનું ચેકિંગ કરી ત્રણ વર્ષ અગાઉ NOC આપવામાં આવ્યું હતું. જો કે, ગત 2 વર્ષથી કોઈ પ્રકારનું NOC રિન્યુઅલ કરાયું નથી. જેથી તાજેતરના સમયમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે કેમ, તે અંગે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી.
આ ઉપરાંત કડી ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ તપાસ કરતાં ઓફીસ સુપરિટેન્ડન્ટ ભરત નામના વ્યક્તિએ રોકવાનો પ્રયાસ કર્યો. આ હોસ્પિટલમાં પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માત્ર કાગળ પર જ દર્શાવેલા છે. આ ઉપરાંત દીવાલ પર કોઈ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા નથી.
આ અંગે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીતમાં અધિકારી દ્વારા ફાયર સેફ્ટીમાં સાધનો ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હોવાનું જણાવી બચાવ કરાયો હતો. જો કે, મહેસાણાની આ હોસ્પિટલ્સમાં પણ અમદાવાદ જેવી આગકાંડની ઘટના બને તો જવાબદાર કોણ???... તે મોટો સવાલ છે.
આ સમગ્ર ઘટના બાદ હવે મહેસાણા પાલિકા દ્વારા ફાયર એન્ડ સેફ્ટીની ટીમને એલર્ટ કરી શહેરની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અને પૂરતી સુવિધા મામલે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
કડી રેફરલ હોસ્પિટલના OS સાથે ETV BHARATની ટેલિફોનિક વાતચીત
- રિપોર્ટર: ફાયર સેફ્ટીની શું સુવિધા છે?
અધિકારી: કોઈ બોટલ એક્સપાયર નથી પણ બધી એક સાથે મોકલી આપી છે.
- રિપોર્ટર: હાલ કોઈ દૂર્ઘટના ઘટે તો સ્પેરમાં કોઈ વ્યવસ્થા છે?
અધિકારી: ના કોઈ વ્યવસ્થા નથી.
- રિપોર્ટર: કડી રેફરલ હોસ્પિટલમાં NOC છે?
અધિકારી: સમગ્ર ગુજરાતમાં કોઈની પાસે NOC નથી, તો અમારી પાસે પણ નથી.