- મહેસાણામાં 10 વર્ષની વયથી નીચેના બે બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા
- મહેસાણામાં રવિવારે 39 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મહેસાણા: રવિવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં 77 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું હતું. મહેસાણામાં 10 વર્ષથી નીચેના બે બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે 13 વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ ઓછો જોવા મળે છે પરંતુ 2 બાળકો પોઝિટિવ થતા હવે વાલીઓએ ચિંતા કરવા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 589એ પહોંચી
મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલ સેમ્પલમાંથી 532 સેમ્પલનું રીઝલ્ટ આવ્યું હતું. જેમાં 516નું રીઝલ્ટ નેગેટિવ તો 16 સેમ્પલ પોઝિટિવ આવેલ છે તેમજ અન્ય લેબ ખાતે 23 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં નોંધાયેલ 39 કેસ જોતા મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં 8 કેસ, કડી પંથકમાં 4, ઊંઝા 7, વિસનગર 9, વિજાપુર 4, મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 કેસ, બેચરાજી 1, વડનગરમાં 1 મળી 39 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં આજે 44 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 589 થવા પામી છે.