- સૂર્યઉર્જાનું સોલાર પેનલ દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર
- સોલાર પેનલનો સરકાર દ્વારા લાભાર્થીઓને મળ્યો લાભ
- વર્ષે દિવસે 5 લાખ જેટલા વિદ્યુતબીલમાં બચત થશે
મહેસાણાઃ ભારતની ભૌગોલિક સ્થિતિને પગલે હર હંમેશા પ્રાકૃતિક વારસો જીવ સૃષ્ટીને મળતો રહ્યો છે. ત્યારે સૂર્યઉર્જા એવા કુદરતી સ્ત્રોત દ્વારા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં સરકારની રુફટોપ પોલિસી દ્વારા સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવતા સકારાત્મક પરિણામ મળ્યું છે.
સોલાર પેનલનો સરકાર દ્વારા લાભાર્થીઓને મળ્યો લાભ
કુદરતી સ્ત્રોત એવી ઉર્જા શક્તિમાંથી જીવસૃષ્ટીમાંથી અનેક જરૂરિયાતો પૂરી થતી હોય છે. ત્યારે હાલના સમયમાં અનહદ અને અવિરત રીતે પ્રાપ્ત થતી સૂર્યઉર્જાના મહત્તમ ઉપયોગ માટે સરકાર દ્વારા સોલાર પોલિસી બનાવી લાભાર્થીઓ યોજનાનો લાભ લઇ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રુફટોપ સોલાર પોલિસીના લાભ હેઠળ કોલ્ડ સ્ટોરેજમાં સોલાર પેનલો લગાવાઈ
આજે મહેસાણા જિલ્લાના ઉદ્યોગિક એકમો પર પણ સોલાર પેનલનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં તાજેતરમાં મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના ગવાડા ગામે કોલ્ડ સ્ટોરેજમાં સતત વિદ્યુત ઉર્જાનો મહત્તમ ઉપયોગ થતો હોવાથી 180 કિલો વોટનું વીજ જોડાણ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાનો આર્થિક ખર્ચ થતો હોવાથી સરકારની રુફટોપ પોલિસીથી પ્રેરણા લેતા કોલ્ડ સ્ટોરેજના સંચાલક અજયએ તંત્રની મદદ મેળવી 90 કિલો વોટ વીજળી ઉત્પાદન માટે સોલાર પેનલોનું ઈન્સ્ટોલેશન કરાવ્યું છે.
વર્ષે દિવસે 5 લાખ જેટલા વિદ્યુતબીલમાં બચત થશે
આ સોલાર પેનલ માટે તેમને 35 થી 37 લાખ જેટલો ખર્ચ ઉઠાવવો પડ્યો છે. જોકે સરકારની રુફટોપ પોલિસીનો લાભ લેતા 50 ટકા જેટલી આર્થિક રાહત મળવાપત્ર થઈ છે. આમ આજે તેઓ સોલાર પેનલ થકી એવરેજ 4 થી 5 યુનિટ સૂર્ય ઉર્જામાંથી મળતી વિજળીના લાભ મળી રહ્યા છે. જે એક અંદાજ પ્રમાણે વર્ષે દિવસે તેમને 5 લાખ જેટલી વીજબીલમાં બચત અપાવશે. જેથી તેઓ સરકાર અને તંત્રનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે.