સાયકલોન સર્ક્યુલેશન સિસ્ટમની અસર વચ્ચે મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોડી રાત્રીથી સવાર સુધી ભારે ધુમ્મસ વચ્ચે વાદળછાયું વાતાવરણ બની રહેતા ઠંડીનો પારો અંશતઃ 0.50થી 1 ડીગ્રી સુધી ઉચકાયો હતો. પરંતુ વહેલી સવારે પડેલી ઝાકળને પગલે દિવસ મોડો ઉગે છે સાથે રાત્રી વહેલા અનુભવાય છે આમ રાત્રી લાંબી અને દિવસ ટૂંકો અનુભવાઈ રહ્યો છે.
વાહન ચાલકોએ ધૂમમ્સનો કર્યો સામનો
મહેસાણા જિલ્લા પંથકમાં એકંદરે ઠંડીનું જોર વધતા વહેલી સવારે રસ્તા પર જતાં વાહન ચાલકોની વિજીબિલિટી (નયનદ્રશ્ય) ખોરવાઈ હતી. માર્ગ પર જતાં વાહનો એક બીજાના 600 મીટરથી 1 કિમીના અંતર સુધી દૂર હોવા છતાં દ્રશ્યમાન થવા મુશ્કેલ બન્યા હતા. જેને પગલે વાહનચાલકોને વાહનની લાઈટો ચાલુ રાખી અકસ્માત ન થાય તે માટે સલામતી સાધી હતી.
ઠંડીમાં ખેતરોમાં ઝાકળ પથરાઈ, ખેતપાકોને નુકસાનીની ભીતિ
સામાન્ય રીતે શિયાળાની ઠંડીનો ઠાર પડતા એક તરફ લીલાછમ પાંદડાઓ પર ઝાકળ મોતીની જેમ ચમકી રહ્યા છે. જે કુદરતી નયનરમ્ય નજારો સવારની ગુલાબી મૌસમમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પાકો પર પેડેલા ઠંડીના ઠારને પગલે સૂર્ય ઉગતા વનસ્પતિ અને પાકોના પાંદડાઓ પર એસિડિક પ્રકારીયા થતા નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.
ઠંડીના જોર પર બાળકો અને વિદ્યાર્થીઓ સહિત લોકોનું જનઆરોગ્ય કથળ્યું, ઇન્ફેક્શનના 1300થી વધુ કેસો નોંધાયા
મહેસાણા જિલ્લામાં ઠંડીનું જોર વધતા સરકારી સહિત ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. જેમાં આકરી ઠંડીથી ગાળામાં ઇન્ફેક્શનના 1300, શરદી, તાવ અને ઉધરસના 5900 જેટલા અને 500 જેટલા ઝાડાના કેસ જોવા મળી રહ્યા છે. તો ઠંડીમાં ડેન્ગ્યુના વધુ 11 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ સાથે શ્વાન કરડવાના કિસ્સામાં પણ 70 જેટલા કેસ વિવિધ સ્થળે નોંધાયા છે.