- એ.જે. સાવલા કોલેજ સામે વિદ્યાર્થીઓનો સ્ટાઈપેન્ડ માંગણી માટે હંગામો
- વિદ્યાર્થીઓને અનિયમિત રીતે 5,200 જેટલું સ્ટાઈપેન્ડ મળતું
- નિયમાનુસાર 9,000 જેટલું સ્ટાઈપેન્ડ મળવું જોઇએ
મહેસાણા : જિલ્લામાં આવેલી એ.જે સાવલા કોલેજ સામે વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડ સહિતની માંગણીઓને લઈ હોબાળો મચાવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના નેજા હેઠળ કોલેજ સંચાલનના કાને તેમની રજૂઆતને જોરશોરથી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.
વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનેક ગણો ખર્ચ થતો હોય છે. જેમાં મદદરૂપ થવા કેટલાક અંશે સરકાર દ્વારા સ્ટાઈપેન્ડની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી મહેસાણા સહિત રાજ્યમાં હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓને અનિયમિત રીતે 5,200 જેટલું સ્ટાઈપેન્ડ મળતું હતું. જોકે, નિયમાનુસાર તે 9,000 જેટલું મળવાપત્ર હોય છે. અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જ્યાં સુધી તેમની માંગણી ન સંતોષાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.