મહેસાણા : એક પૌરાણિક ગાથા પ્રમાણે ઉમિયા માતાએ પર્વતીજીનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન કાર્તિકેના લગ્નની જાન ઐરાવતી નદીને કાંઠેથી પસાર થતી હતી, ત્યારે કેટલાક દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવી હતી. જેથી ગણપતિજી ઐરાવતી નદીને કાંઠે રિસાઈને બેસી ગયા હતા. જ્યાં હાલમાં પણ રેણુધારી ગણપતિજીની મૂર્તિ હયાત છે. જો કે, જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિજી ન દેખાતા તેમને ચિંતા થઈ અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા હતા, ત્યારે જાનૈયાઓમાં હાજર દેવી-દેવતાઓએ ગણપતિ અને પાર્વતીજીને મનાવતા કાર્તિકે ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી હતી.
આમ, દેવી-દેવતાઓના પગલાં અને દંતકથાઓ આધારે જેમ સિદ્ધપુરમાં કાર્તિકે અને ઐઠોરમાં ગણપતિનું મંદિર બંધાયું. તેમજ ઊંઝામાં માં પાર્વતીજી માં ઉમિયાજી સ્વરૂપે બિરાજમાન થયા છે. કહેવાતા ઇતિહાસના પાનેથી મળતી માહિતી પ્રમાણે આ મંદિરનું ઈ.સ. 156 સંવત 212 માં રાજા વ્રજપાલ સિંહજીએ નિર્માણ કરાવ્યું હતું, ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરાવવામાં આવી રહી છે. સંજોગો અવસાત મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો, પંજાબ અને રાજસ્થાન થઈ ઈ.સ. પૂર્વે 1200 થી 1250ના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા હતા.
રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો. ઇ.વિ. સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તો હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે, ત્યાં તે મંદિર હતું. મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે. વિ. સંવત 1943 અથવા તો હાલમાં જે મંદિર જોવા મળે છે, તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું હોવાનું ઇતિહાસ બતાવી રહ્યો છે. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો.
હાલના મંદિરનું વાસ્તુ પૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું. જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. ઈ.સ. 1895માં માન સરોવર બંધાયું. આસો નવરાત્રીમાં મંદિરના ચાચરચોકમાં નવે દિવસ રાસ ગરબા યોજાય છે. આ દિવસોમાં માં ઉમિયાના ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડષોપચાર પૂજા, ચંદીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લ્હાવો લેવા જેવો હોય છે. મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી, સેવાપૂજા અને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. દર્શન માટેનો સમય સવારે 6.00 થી બપોરે 12.00, સાંજે 4.00 થી 9.30નો રાખવામાં આવે છે.
જ્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે મંદિર ભક્તો માટે વધુ સમય મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે, ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા આ ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વ શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે. દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે. એટલુ જ નહીં સાથે-સાથે રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 50 થી વધુ AC અને નોન AC રૂમની સુવિધા ઉપલબ્ધ છે. મંદિર સંસ્થાન દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બની સહાય આપવામાં આવે છે. આમ ઉમિયા માતાનું આ પૌરાણિક મંદિરના માત્ર ધાર્મિક સ્થળ તરીકે પરંતુ સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જાણીતું બન્યું છે.