મહેસાણા : પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો. ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ. જે બેચરાજી મોઢેરકથી 15 કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.
સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ. 1026માં કરી હતી. આ મંદિર ત્રણ ભાગોમાં પરસ્પર જોડાયેલું છે. જેમાં પ્રથમ રામકુંડ કહેવાતા સૂર્યકુંડ આવેલ છે. જે કુંડમાં લગભગ 108 જેટલા નાના-નાના મંદિરો રહેલા છે. મંદિરના મધ્યભાગે સભાખંડ કે પ્રાર્થના ગૃહ કહી શકાય તેવી ઇમારત આવેલ છે. જે બાદ અંતે સૂર્યદેવતાનું મુખ્ય મંદિર આવેલ છે. આ મંદિર રેતાળ પથ્થરોથી બનેલું છે. એક માન્યતા પ્રમાણે રાત અને દિવસ જે સમયે એક સરખા હોય છે. ત્યારે સૂર્યનું પહેલું કિરણ આજે પણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે.
આ સંપૂર્ણ મંદિરનું નિર્માણ ઈરાની શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી. વર્તમાનમાં ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધુ છે.