મહેસાણા: જિલ્લાના લોકો સામાન્ય રીતે ખેતી અને પશુપાલન પર આધારિત છે, ત્યારે સિંચાઈના સ્ત્રોત સિવાય મોટાભાગના ખેડૂતો ચોમાસાની સીઝન આધારિત વાવણી કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ખેડૂતોની ભારે જહેમત બાદ બાજરી, કપાસ, તલ જેવા વિવિધ પાકો પાક્યા હતાં, ત્યાં વરસાદ ગાંડોતૂર બની વરસતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોચ્યું છે.
આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોએ કૃષિ વિભાગને પાક નિષ્ફળની રજુઆત કરતા મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદને પગલે થયેલા પાક નુકસાન મામલે સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર SDRF અને મુખ્યમંત્રી પાક સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય લાભાર્થી ખેડૂતોને આપવામાં આવનાર છે.