મહેસાણા: વિપજાપુરમાં ફુદેડાના એક પટેલ ખેડૂતે માઢી ગામની સહકારી મંડળીમાંથી 950 રૂપિયા આપી પોટાસ ખાતરની બેગ ખરીદી કરી હતી. જો કે, બેગ ખોલતા તેમાં યુરિયા ખાતરની ભેળસેળ હોવાની શંકા જતા ખેડૂતે કૃષિ વિભાગનો સંપર્ક કર્યો હતો. કૃષિ લગતા પ્રોડક્ટમાં ભેળસેળ ચકાસણી માટે કાર્યરત ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
જેમના દ્વારા તપાસ કરાતા ખાતરની બેગમાં પોટાસ સાથે યુરિયાની ભેળસેળ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેને પગલે ટીમ દ્વારા માઢી સહકારી મંડળીમાં જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં 200 પૈકી 181 ખાતરની બેગમાં સ્ટોકમાં હતો. જ્યારે 19 બેગનું વેચાણ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં તંત્રએ સ્ટોકમાં હાજર તમામ 181 સિલ કરી ખાતરના નમૂના પરીક્ષણ અર્થે ગાંધીનગરની રાસાયણિક ખાતર પરીક્ષણશાળામાં મોકલી આપેલ છે. જે સેમ્પલના પરિણામ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, ત્યાં સુધી 181 ખાતરની બેગનો જથ્થો સીઝ રાખવામાં આવશે.
ખાતરની ભેળસેળમાં MOP ખાતર લુઝમાં જોર્ડન દેશમાંથી ઈમ્પોર્ટ કરી ચેન્નાઇની ઇન્ડિયન પોટાસ લી. કંપની દ્વારા મે માસમાં પેકીંગ કરાયાનું બેગ પર ટેગ કરેલ છે. જો કે, પોટાસ ખાતરની સબસીડીયુક્ત કિંમત 950 છે, જ્યારે યુરિયા ખતરની 266 છે. આ માટે પોટાસમાં યુરિયા ભેળસેળ કરતા 50 ટકા જેટલો નફો કમાવવા મળતો હોઈ કૌભાંડીઓ દ્વારા ખાતરની ભેળસેળ કરવામાં આવતી હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ તંત્રની તપાસ ચાલી રહી છે.