મહેસાણાના કડી નજીક આવેલા અલદેસણ આદુંદરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી અંદાજે 12 વર્ષની તરુણીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા કડી પોલીસ સહિત મહેસાણા DSP અને DYSP એવા મંજીતા વણઝારા સહિત DIGની ટીમ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસે તરુણીના મૃતદેહને જોતા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં તરુણીના શરીર પરથી કેટલીક નાની મોટી ઈજાઓના ઘાવ જોવા મળ્યા છે તો પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તરુણી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી રહી છે.
ત્યારે પોલીસે ઘટના સ્થળે ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી, ડોગ સ્કોડ સહિતની ટીમોની મદદ લઇ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃતદેહને કડી સરકારી સિવિલ હોસ્પિટલ ખેડવામાં આવ્યો છે. જ્યાં તરુણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આખરે પોલીસને હત્યા અને દુષ્કર્મની શંકા રહી છે તેનો ચોક્કસ ચિતાર મેળવવામાં સફળતા મળશે. તો સાથે જ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અને દુષ્કર્મનો બનાવ સામે આવશે તો ગુન્હો નોંધતા આરોપીઓને જેલ હવાલે કરાશે. હાલમાં પોલીસે મૃતક તરુણી કોણ છે અને તેનું મોત ક્યાં કારણોસર થયું તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.