- કડીમાં કાચા તેલની તસ્કરીનું કૌભાંડ સામે આવ્યું
- ટ્રાન્સપોર્ટરો અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની ઘટના સામે આવી
- કાચું તેલ ભરીને જતાં ટેન્કરના ચાલકો દ્વારા તેલ કાઢીને વેચવાનું કૌભાંડ ઝડપાયું
મહેસાણા: જીલ્લાનાં કડી ખાતે આવેલા પીરોજપુરા સીમમાં કાચા તેલની તસ્કરીનો મામલો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં LCBને મળેલી બાતમીનાં આધારે ઘટના સ્થળ પર પોલીસે દરોડા પાડતા સ્થળ પર કેટલાક ઈસમો ટેન્કરમાંથી તેલ કાઢતા રંગેહાથ ઝડપી પડ્યા હતા. પોલીસને જોઈને તેઓએ ભાગવાની કોશિશ કરતા પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો.
ટેન્કર નિયત સ્થળ પર પહોંચે તે પહેલાં જ કાઢવામાં આવતું હતું કાચું તેલ
આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ટેન્કરમાં ભરીને જતા કાચું તેલ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા રસ્તામાં જ ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પરથી બે ટેન્કર અને બાજુમાં આવેલી ઓરડીમાં ચોરી કરીને એકત્ર કરેલા કાચા તેલ સહિત કુલ 60.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 શખ્સોની અટકાયત કરીને કડી પોલીસને સોંપી ટ્રાન્સપોર્ટરો અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરવા કુલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાંથી ત્રણ ઈસમો સ્થળ પરથી મળી આવ્યા હતાય જ્યારે એક ઈસમ ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે સ્થળ પર ગેરહાજર એવા 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.