- અલ્પેશ ઠાકોરે સરકારની ગાઇડલાઈનનું કર્યું ઉલ્લંઘન
- રક્તદાન શિબિરમાં અલ્પેશ ઠાકોર રહ્યા હતા હાજર
- અલ્પેશ ઠાકોરને મહત્વ આપી આયોજકોએ નિયમોની કરી એસીતેસી
મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ગોઠવા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ચાલી રહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઠાકોર સમાજના અગ્રણી અને રાજકારણનો હિસ્સો બનેલા અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરે કાર્યક્રમ દરમિયાન સરકારની કોરોના વાઇરસ સામેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું. અલ્પેશે માસ્ક પહેર્યું નહોતું. તો લોકોની ભારે ભીડ વચ્ચે પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા. આમ આજે હજારોની જનમેદનીમાં એક વિશેષ વ્યક્તિની ભૂમિકામાં અલ્પેશ ઠાકોરે શ્રોતાઓ વચ્ચે હાજરી આપી હતી. જેમાં કોરોના વાઇરસની ગાઈડલાઇનનું ઉલ્લંઘન થતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
વિસનગર તાલુકાના ગોઠવા ગામે ઠાકોર સેનાને ક્ષત્રિય સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકો દ્વારા અલ્પેશ ઠાકોરને આમંત્રિત કરી એક સામાન્ય રક્તદાનના આયોજનને જાણે કે રાજકીય મંચ બનાવી દેવાયો હોય તેમ ભીડ એકઠી થઈ હતી. આ ભીડમાં આવેલા અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ માસ્ક પહેરેલ નહોતું. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ પણ ઝડવાયું નહોતું. આ ઉપરાંત મોટી જનમેદની સામે યોગ્ય સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આમ વિસનગરના ગોઠવા ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસની સરકારી ગાઈડલાઈનનું સદંતર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આમ છતાં હજૂ સુધી તંત્ર દ્વારા કે નેતાઓ દ્વારા આ બેદકારી મામલે કોઇ કાર્યવાહી કે નિવેદન આપવામાં આવ્યું નથી.