- દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સરકારી મશીનરી માણસોનો દુરુપયોગ સાથે ગેરરીતિના આક્ષેપો
- 20 વર્ષથી અ વર્ગમાં રહેલ મંડળીને ક વર્ગમાં ધકેલાઈ હોવાનો આક્ષેપ
- ડેરીના ચૂંટણી અધિકારીથી લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના ઈશારે કિન્નખોરી રાખતી હોવાનો આરોપ
મહેસાણા : મહેસાણા જિલ્લાને રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. જોકે, આ રાજકીય લેબોરેટરી હવે સહકારી ક્ષેત્રોને પણ પોતાના પરિક્ષણમાં ભેળવી ગંદુ રાજકારણ ઉભું કરી રહી છે. ત્યારે વાત છે મહેસાણા દૂધ સાગર ડેરીની કે, જ્યાં પૂર્વ શાસકો વિપુલ ચૌધરી જૂથ અને ભાજપ પ્રેરિત જૂથ આ ડેરીની સત્તા હડપવામાં ચૂંટણી જંગમાં આમને સામને ઉતર્યા છે. ત્યારે સત્તાનો ઉપયોગ કરી ભાજપ સરકાર સરકારી માણસો અને મશીનરીઓનો દુરુપયોગ કરી રહી હોવાના ભારે વિવાદો છેડાયા છે. જેમાં ડેરીના પૂર્વ ડિરેક્ટર સહિત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિવેદન આપતા આ ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ અહીં સત્તા આગળ રજૂઆતો નબળી સાબિત થતી જોવા મળી રહી છે.
ડેરીના ચૂંટણી અધિકારી સી.સી.પટેલ સરકાર અને રાજકરણીઓના ઈશારે કામ કરતા હોવાના આક્ષેપ સાથે જ મીડિયા સમક્ષ મૌન સેવતા અધિકારી શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, એક તરફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા પર હાઇકોર્ટ દ્વારા રોક લગાવી હતી. જોકે, કોર્ટનો હુકમ મળ્યો કે ન મળ્યો તે બાબત જાહેર ન કરી. આ અધિકારી દ્વારા વિપુલ ચૌધરીની ઉમેદવારી અને તેમને લગતી ખેરાલુની જોડિયા મંડળીનો પ્રશ્ન હાઇકોર્ટમાં હોઈ પેન્ડિંગ રાખતા બાકીના નામોની માન્ય યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, સિદ્ધપુર ઊંઝા ખાતેની મંડળીઓમાં વિપુલ ચૌધરીની પેનલના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરી દેવામાં આવતા મહિલા ઉમેદવારના પતિ અને ડેરીના પૂર્વ ડિરેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાના આરોપો મુકાયા છે. તો તેઓ ન્યાય માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જશે તેવી તૈયારીઓ બતાવાઈ છે.
આખરે મહેસાણા ડેરીની ચૂંટણીની પ્રક્રિયા વિસનગર કેમ કરાવાઈ
મહત્વનું છે કે, વિસનગર ખાતે આવેલ પ્રાંત અધિકારીને મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીની જવાબદારી ચૂંટણી અધિકારી તરીકે સોંપવામાં આવી છે. ત્યારે સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ વિસનગરમાં ધારાસભ્યના પ્રયત્નથી રાજકીય વર્ગ જળવાઈ રહે તે માટે આ અધિકારીને વિસનગર પ્રાંત અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. જે બાદ અહીં ભાજપના કાર્યકરો અને મળતીયા જાણે કે, આ કચેરીના કન્સલ્ટન્ટ હોય તે રીતે પોતાના સારા ખોટા કામો કાઢવા ધારાસભ્યના આશીર્વાદથી આવેલ આ અધિકારી સાથે મળી કાર્યો કરતા હતા. આમ ભાજપના વિશ્વાસુ એવા આ અધિકારીને ડેરીની ચૂંટણીમાં જવાબદારી સોંપી દેવામાં આવતા આજે અનેક સવાલો ચૂંટણી પ્રક્રિયા સામે ઉઠી રહ્યા છે. તો આ ડેરીની ચૂંટણી યોજાઇ તે પહેલાં ગેરરીતિના આક્ષેપોનો રાફળો ફાટેલો જોવા મળ્યો છે. ત્યારે સવાલ એ છે કે, શું મહેસાણા સહિત ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતમાં ડેરીનું શાસન આવશે કે, રાજકીય અખાડામાં મહેસાણાનું મોટું સહકારી ડેરી માળખું પણ ગરકાવ થઈ જશે.