- વિસનગરમાં કોંગ્રેસ બે જૂથ આમને-સામને
- વિસનગર તાલુકા કોંગ્રેસમાં જૂથબંધી સામે આવી
- બંને જૂથ આમને-સામને આક્ષેપો પ્રતિક્ષેપો પર ઉતર્યા
મહેસાણા: એક તરફ વિસનગર તાલુકા કોંગ્રેસમાંથી રાજીનામાં પડ્યા હતા ત્યાં બીજી તરફ રાજીનામું આપનાર કોંગ્રેસના હોદ્દેદારોના મામલે વિસનગરના કોંગ્રેસના અગ્રણીઓએ પ્રેસ કોંફરન્સ યોજી તેમની સામે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કર્યા છે. જેમાં રાજીનામું આપનાર હોદ્દેદારો ભાજપના એજન્ટ હોવાનું કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખ રીટાબેન પટેલે નિવેદન આપ્યું છે. જ્યારે ક્ષત્રિય સમાજના અભિજિત બારડે પણ રાજીનામું આપનાર લોકો સામે રોષ ઠાલવ્યો છે કે, વિસનગરમાં કોંગ્રેસ છોડનાર લોકોએ ભૂલી ગયા છે કે તેઓ પાર્ટીથી ઓળખાતા હતા.
મેન્ડેટ મામલે વકરેલા વિવાદ સામે પણ બચાવ કરવા કોંગ્રેસનો પ્રયાસ
આ પત્રકાર બેઠકમાં કોંગ્રેસમાંથી PCC ટ્રેનિંગ કો ઓર્ડીનેટર અમૃતસિંહ ઝાલા અને મહામંત્રી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના રુપસિંહજી ચૌહાણે હાજરી આપતા મેન્ડટ આપવામાં કોંગ્રેસમાં કોઈ ગેરરીતિ નથી થઈ તો માત્ર ભાજપના ઈશારે અમારા પાર્ટીના નેતાઓને બદનામ કરવા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ ભાંગી પડે તેવી સ્થિતિનું થયું સર્જન
વિસનગરમાં કોંગ્રેસ ભાંગી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે જેમાં કોંગ્રેસના બે જૂથ એક રાજીનામાં આપનાર અને એક બચાવ કરનાર હવે આમને-સામને છે. તેવા સંજોગોમાં ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો આ સંજોગ કેવો રહે છે તે આવનાર સમય જ બતાવશે..!