ખેરાલુના લુણવા ગામે બાઇક-કાર વચ્ચે અકસ્માત
- બાઇક ચાલક ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
- અકસ્માતને લઇને કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર ચાલક પર કરાયો હુમલો
- કારમાં સવાર વડનગરના બે યુવકોને બંધક બનાવી માર મરાયો
- ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો
મહેસાણાઃ જિલ્લામાં ખેરાલુ તાલુકાના લૂણવા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. વડનગરના કરબટિયા ગામના બે યુવકોની કાર એક બાઇક ચાલક સાથે ટકરાઈ હતી, જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માતને લઇને ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર ચાલક અને તેના સાથી પર હુમલો કરી તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેથી બંને યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા કેટલાક શખ્સોએ અકસ્માત સર્જનારની કારને સળગાવી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા વિસનગર નાયબ પોલીસ અધિક્ષક અને ખેરાલુ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવા કવાયત હાથ ધરી હતી. જે બાદ કાર ચાલક સહિત બન્ને યુવકોને સારવાર અર્થે વડનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં પોલોસે ઇજગ્રસ્ત યુવકોના નિવેદનના આધારે લૂણવા ગામના 7 નામજોગ સહિત 40 જેટલા શખ્સો વિરૂદ્ધ રાયોટિન, મારામારી, લૂંટ અને જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી હાલમાં 5 શખ્સોને હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરી છે.