- મહેસાણા જિલ્લામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ
- ગાયકવાડી પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી ગણેશજીને સલામી અપાઈ
- ગણપતિ મંદિરે દાદાની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું કરાયું સ્થાપન
- અગ્રણીઓ સહિત લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે મહોત્સવમાં જોડાયા
મહેસાણા: જિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર ગાયકવાડી સમયના વર્ષો જૂના મહેસાણાના ગણેશ મંદિરે ગણેશ મહોત્સવનો દાદાની ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સામેની તકેદારી રાખી શહેરના અગ્રણી નાગરિકો અને નેતાઓની ઉપસ્થિતિમાં ગણપતિ દાદાની પ્રતિમાની સ્થાપના કરી પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી હતી.
આ પર્વ પર ગાયકવાડ સરકારથી ચાલી આવતી ગાર્ડ ઓફ ઓનરની વર્ષો જૂની પરંપરા આજે પણ અહીં જોવા મળી રહી છે. જેમાં મહેસાણા પોલીસ જવાનો દ્વારા દાદાને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી સલામી અપવામાં આવી છે, આ સન્માન ગણેશજીને ગુજરાતમાં એક માત્ર મહેસાણામાં આપવામાં આવતું હોવાથી ગણેશ ઉત્સવની આ પળ ગૌરવ અપાવી રહ્યી છે. આ સાથે અહીં આજથી શરૂ થયેલ ગણેશ મહોત્સવમાં પ્રતિદિન 5 દિવસ વિવિધ ભજન, કિર્તન સહિતના ધાર્મિક કાર્યો કરવામાં આવશે. જે બાદ દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
મહત્વનું છે કે, આજના આ પાવન પર્વ પર રેણુમાંથી નિર્મિત ઊંઝામાં આવેલ ઐઠોરના ગણેશજી મંદિરે પણ દાદાને મનમોહક શણગાર સજાવી દાદાને પ્રિય ભોગ ધરાવવામાં આવ્યા છે, તો કોરોના સમયને ધ્યાને રાખી અનેક પરિવારોએ ઘરમાં જ ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશચતુર્થી પર્વની ધામ-ધૂમથી ઉજવણી કરી છે.