મહેસાણાઃ કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં ઝડપેલા દારૂની બોટલો તેમજ રેડ કરી પકડેલા વિદેશી દારૂની બોટલોમાંથી કેટલોક દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે અલગ રાખી કડી પોલીસ લાઇનના કવાટર્સમાં રાખવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર કરતા અધિકારીઓને માહિતી મળી હતી કે, વિજિલન્સની ટીમ કડી પોલીસ સ્ટેશનમાં રેડ કરશે. જેથી દારૂના વેપાર કરતા અધિકારીઓએ દારૂના મુદ્દામાલનો તાત્કાલિક નાશ કરવા માટે મુદ્દામાલમાંથી કેટલોક જથ્થો સુજાત પુરા નર્મદા કેનાલમાં નાખી દીધો અને બાકી રહેલો જથ્થો વેચી મારવામાં આવ્યો હતો.
જેની માહિતી D.G.P. સાહેબને બાતમી મળતા તેમણે રેન્જ IG મયંકસિંહ ચાવડાને તપાસ માટે આદેશ કર્યા હતા. જેમાં રેન્જ IGએ તપાસ માટે ગાંધીનગર જિલ્લા અધિક્ષક મયુરસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરી હતી. જેમાં તપાસ દરમિયાન 9 આરોપીઓએ વિદેશી દારૂનો મુદ્દામાલનો નાશ કરી વેચાણ કરવાનુ સામે આવ્યું હતું. જેથી તપાસ બાદ 9 આરોપીઓ વિરુદ્ધ IPC 120B, 409, 201, 34, 431 તથા પ્રોહીબિશન એક્ટના 65 E ,81, 83, 116B મુજબ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓ દ્વારા કડીની સુજાતપુરા નર્મદા કેનાલમાં નાખવામાં આવેલી વિદેશી દારૂની બોટલોમાંથી N.D.R.F.ની ટીમે 132 બોટલો બહાર કાઢી છે. જે મુદ્દામાલ તરીકે પોલીસે કબજે કરેલી છે.રેન્જ IG મયંકસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, સુજાતપુરા નર્મદા કેનાલમાંથી કબજે કરેલો મુદ્દામાલ આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાંનો હતો તથા ક્યાં અને કોને વેચવામાં આવ્યો તેની તપાસ ચાલુ છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને સીટની સ્વતંત્ર રીતે તપાસ કરશે. જેમાં D.Y.S.P. હેડ ક્વાટર્સ વી.જે.સોલંકી મદદમાં રહેશે. આ ઉપરાંત સીટ સ્વતંત્ર તપાસ કરી વધુ પુરાવા એકત્રિત કરી અહેવાલ સુપરત કરશે.
આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
1 - ઓ.એમ.દેસાઈ - પી.આઈ. કડી પોલીસ સ્ટેશન
2 - કે.એન.પટેલ - પી.એસ.આઈ.
3 - એ.એસ.બારા - પી.એસ.આઈ.
4 - મોહનભાઇ હરિભાઈ - એ.એસ.આઈ.
5 - હિતેન્દ્ર કાંતિભાઈ - એ.એસ.આઈ.
6 - પ્રહલાદભાઈ પટેલ - હેડ કોન્સ્ટેબલ
7 - શૈલેષભાઇ રબારી - હેડ કોન્સ્ટેબલ
જી.આર.ડી.
1 - ગિરીશ પરમાર
2 - ચિરાગ પ્રજાપતિ
દારૂના વેપારમાં સંડોવાયેલા હિતેન્દ્ર પટેલ નામનો હેડ કોન્સ્ટેબલે થોડા સમય પહેલા કડીની બાલાપીર દરગાહ પાસે માહિતી લેવા જતા સ્થાનિક પત્રકારની ફેટ પકડી, જેલમાં પુરી દેવાની ધમકી આપી અસભ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે મીડિયામાં ચમક્યું હતું.