મહેસાણા: જિલ્લામાં કોરોના વાયરસની મહમારીને પગલે છેલ્લા ઘણા દિવસોથી લોકડાઉન રહેતા ગામડાઓના રસ્તાઓ અને સીમાડા સુમસામ બન્યા છે. જિલ્લાના વડનગર બાદ ફરી એકવાર ખેરાલુ તાલુકાના ડાવોલ ગામની સીમમાં રીંછે દેખા દીધી હતી. રીંછ દેખાતા સ્થાનિક ગામલોકો એ વનવિભાગ અને પોલીસને સંપર્ક કરતા વનવિભાગની ટીમ, મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જો કે, વન વિભાગ રીંછને પકડવા પાંજરા ગોઠવે તે પહેલાં જ રીંછ પર્વતીય ગિરિમાળાઓ તરફ જંગલીય વિસ્તારમાં ભાગી છૂટ્યું હતું. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં આવેલ સતલાસણા અને ખેરાલુ સહિતનો વિસ્તાર ખેતી સાથે જંગલીય વિસ્તાર ધરાવે છે.
જ્યાં પર્વતોની ગિરિમાળાઓ હોવાથી વન્ય જીવોને અનુરૂપ આશ્રય સ્થળ મળી રહે છે. તે માટે ભૂતકાળથી જ વન્ય જીવોનો આ જંગલીય વિસ્તાર રહ્યો છે. જો કે, હાલમાં લોકડાઉન હોવાથી વન્ય પ્રાણીઓ સન્નાટો જોતા ખોરાક અને પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારો સુધી ભટકી આવે છે. ત્યારે હાલમાં આવેલ રીંછ સલામત રીતે જંગલમાં પરત ફર્યું છે. તેમજ રીંછે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોચાડ્યું હોવાના હાલમાં કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.