- ટિકિટ ન મળતા જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી 40 કાર્યકરોના રાજીનામા
- કોંગ્રેસમાંથી બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સહિતના નેતાઓ સામે રોષ
- ચૂંટણીમાં કાર્યકરો કોંગ્રેસને સમર્થ નહિ કરે
- વિસનગર બાદ જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામા પડ્યા
મહેસાણા: મહેસાણા જિલ્લો સામન્ય રીતે ભાજપનો ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર બની વિજેતા બનવા ઇચ્છતા અનેક લોકોના સપના રોળાયા છે. જેમાં વિસનગર તાલુકામાં જિલ્લા પંચાયતની સીટ માટે ખુદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પર ગેરરીતીના આક્ષેપો થતા સસ્પેન્ડ કરાયા છે, ત્યાં બીજી તરફ બેચરાજીના ધારાસભ્ય દ્વારા પણ જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિના 40 જેટલા કાર્યકરો સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત સાથે સામુહિક રાજીનામુ ધરી દેવામાં આવ્યું છે.
જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિમાં સામુહિક રાજીનામા પડતા કોંગ્રેસ માથે જોખમ વધ્યું
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, ત્યારે ભાજપ જ્યાં એક તરફ પોતાનો ગઢ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ જાણે કયુ કોનું રાજકારણ જિલ્લા કોંગ્રેસ પર હાવી થતા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ મરણ પથારી તરફ જઈ રહી છે. તાજેતરમાં કોંગ્રેસમાં કરાયેલા ટિકિટ વિતરણમાં ગેરરીતિઓ અને સગાસંબંધીઓને ટિકિટ આપતા નારાજગી સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે. જેમાં જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિએ 40 લોકોના નામ જોગ નવનિયુક્ત કાર્યકારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામા પાઠવ્યા છે. આ સાથે જ તેમણે આગામી આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ સમર્થન કે કાર્ય કરવાનો સીધો જ ઇન્કાર કર્યો છે, ત્યારે આ વખતે કોંગ્રેસથી નારાજ કોંગી કાર્યકરો આગામી દિવસમાં કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી બની પરાજયનું કારણ બને તો નવાઈ નહી.