- 7 લાખની લોન પેટે ચેક રિટર્ન થતા મહિલાને સજા
- વિજાપુર કોર્ટે મહિલાને 2 વર્ષ કેદની સજા ફટકારી
- ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈ પૈસા પેટે આપેલો ચેક રિટર્ન થયો હતો
મહેસાણાઃ જિલ્લામાં નાગરિકોને આર્થિક રાહત મેળવવા માટે અનેક ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે, ત્યારે તાજેતરમાં વિજાપુર તાલુકાના સોખાડા ગામે આવેલી એકતા કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાંથી અસનાપુરની સ્નેહલબેન મહેન્દ્રભાઈ પટેલ નામની મહિલાએ 7 લાખનું ધિરાણ લીધું હતું, જે સમય મર્યાદામાં ભરપાઈ ન કરતા અંતે તેઓએ ધિરાણ ભરવા માટે ચેક આપ્યો હતો, જે ચેક ભરતા ખાતેદારના ખાતામાં અપૂરતી સિલ્ક હોઈ ચેક રિટર્ન થયો હતો અને મહિલાએ લીધેલી ધિરાણ ભરપાઈ ન થતા અંતે મહિલા ડિફોલ્ડર સામે ક્રેડિટ સોસાયટી દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રિટર્ન કેસમાં સેસન્સ કોર્ટે ફટકારી સજા
2 વર્ષની કેદ બાદ પણ ધિરાણ ભરપાઈ ન કરે તો વધુ 6 માસની સજા
વિજાપુર કોર્ટમાં ન્યાયાધીશ યોગેશ ખાંટ સમક્ષ કેસની કાર્યવાહી થતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં ધિરાણ લઈ ભરપાઈ ન કરી આપેલો ચેક રિટર્ન થયાની ઘટના અને વકીલ આઈ જે વાઘેલાની ધારદાર દલીલોને ધ્યાને લઈ મહિલાને કસૂરવાર ઠેરવી 2 વર્ષની કેદ અને છતાંય ધિરાણ ભરપાઈ ન કરે તો વધુ 6 માસની સજા ફટકારી છે. આમ કોર્ટના આ આદેશથી સેવા અને સહકારના ઉદ્દેશથી ધિરાણ અપાતી સંસ્થાઓ સાથે બદઈરાદા રાખનારા લોકો સામે કાયદાની ભાષા સમજાવતું એક ઉદાહરણ બેઠું છે.