મહીસાગર: સંતરામપુર તાલુકાના નેસ ગામના લાલસીંગભાઇ રાવતના પરિવારની દિકરી કાજલ તેના મામાને ત્યાં રહીને નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. દાદા-દાદી, માતા-પિતા, ચાર બહેન અને એક ભાઇનો આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સામાન્ય પરિવારમાંથી આવતી કાજલ પહેલા ધોરણમાં અબઅયાસ કરતી હતી, ત્યારે તેના યોગ શિક્ષકે તેની પ્રતિભા પારખી અને તેના પર વિશેષ ધ્યાન આપી યોગાસનની તાલીમ આપી હતી. આમ કાજલે આર્ટીસ્ટીક યોગાના અઘરા આસનો અને સંગીત સાથે રીધેમીક યોગાના યોગાસનોનો નિયમિત મહાવરો કરી કુશળતા મેળવી હતી.
કાજલ વ્યક્તિગત યોગ ચેમ્પીયનશીપના A ગૃપના સર્વાગાસન, પૂર્ણ ધનુરાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાનાસન, B ગૃપના ભારે આસનો પૂર્ણ સલભાસન, પૂર્ણ ચક્રાસન, બકાસન, ગર્ભાસન, C ગૃપના અતિભારે આસનો ઉત્થિતપાદ હસ્તાસન, સાંખ્યાસન, શિર્ષાસન, પદ્મ શિર્ષાસન, ટીટ્ટીભાસન તેમજ આર્ટીસ્ટીક સ્પર્ધાના ભારે આસનો ગંડ ભેરૂડાસન, કમર મરોડાસનનું પણ સુંદર રીતે કરે છે.
વર્ષ 2018 અને 2019માં ખેલમહાકુંભમાં મહીસાગર જિલ્લાની યોગ સ્પર્ધામાં કાજલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અવાર-નવાર યોગના કાર્યક્રમોમાં અનેક અઘરાં યોગાસનો કરતી કાજલને જોઇ લોકો અચંબિત થઇ જાય છે. આમ નાની ઉંમરમાં મહીસાગર જિલ્લામાં યોગ ગર્લ તરીકે નામના પામેલી કાજલે અનેક મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્રો અને પુરસ્કારો મેળવ્યા છે.