પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રભાતતારા મેદાન રાંચી ખાતેથી યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રસારીત સંદેશનું જીવંત પ્રસારણ થયુ હતું. આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના (ગુજરાત પ્રદેશ) ના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. જેમાં શહેરની વિવિધ શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન, સ્વૈચ્છીક સંસ્થાઓ, પતંજલી યોગ સમિતિ અને વિવિધ સંગઠનો યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના અધ્યક્ષ સરદારસિંહ બારૈયાએ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું. કે, આ વર્ષની યોગ દિવસની થીમ યોગા ફોર હાર્ટ એટલે કે યોગથી સ્વાસ્થ્ય, હ્રદય, નિયમીત યોગથી હકારાત્મક ઉર્જા પેદા થાય છે, સ્વભાવ મિલનસાર બને છે, શરીર નિરોગી બને છે. માત્ર આજના દિવસ પુરતું નહી કાયમ ઘરે બેઠા યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે છે. પ્રારંભમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે સૌને આવકારી યોગને નિયમીત જીવનમાં ઉતારી નિરામય સ્વાસ્થય માટે સૌને સંકલ્પ બધ્ધ થવા અપીલ કરી હતી. મનને પાવન પ્રફુલ્લીત કરતા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર સહિત આગેવાનો, શાળા કોલેજના શિક્ષકો, પોલીસ કર્મીઓ, વહીવટી કર્મચારીઓ, દિવ્યાંગો, વિદ્યાર્થીઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ સાથે મહીસાગર જિલ્લામાં વિવિધ ધાર્મીક, પ્રવાસન સ્થળો અને તાલુકા મથકો, શાળા, કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ, નાગરીકો પ્રસંગે યોગમાં સામેલ થયા હતા. યોગ દિવસની ઉજવણી પ્રસંગે મહીસાગર જિલ્લામાં છ સ્થળોએ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાકાળી માતાનું મંદિર લુણાવાડા, મહીસાગર તીર્થધામ દેગમડા, રૈયોલી ડાયનાસોર પાર્ક રૈયોલી, કડાણા ડેમ અને ઐતિહાસિક સ્થળ કલેશ્વરી તેમજ માનગઢ હિલ ખાતે મોટી સંખ્યામાં યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.