લુણાવાડાઃ ગુરુવારે અર્બન હેલ્થ સેન્ટરની મહિલા હેલ્થ વર્કર દ્વારા ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત મહિલા હેલ્થ વર્કરોએ આરામપુરા, આજાણવા કોલોની, ચાર કોશિયાનાકાની આંગણવાડીમાં હાજર રહેલા જનસમુદાયના લાભાર્થીઓને હેન્ડ વોશિંગ ટેક્નિકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તમામને નિયમિત રીતે હેન્ડ વોશિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા જન આંદોલન અભિયાનના ભાગરૂપે તમામને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવા, વારંવાર સાબૂથી હાથ ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તથા તેમની અને તેમના સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારવા તથા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગે પણ સૂચન કરાયું હતું. આ સાથે કોરોના અંગે બીજા લોકોને પણ જાગૃત કરવા કહેવામાં આવ્યું છે. આ જ રીતે બાલાસિનોર તાલુકાના સલિયાવડીના હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખાતે પણ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ બંને જગ્યાએ ઉપસ્થિત તમામ લોકોએ શપથ પણ ગ્રહણ કર્યા હતા.