મહીસાગરઃ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સહાયિત રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધાઓમાં ગ્રામ્ય કક્ષાએ સ્વાવલંબિતતા ઉપલબ્ધ કરાવવા માટે મહીસાગર જિલ્લા સેવા સદનના સભા ખંડમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક મળી હતી.
આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સુવિધાઓ સ્વાવલંબિતતા કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા થયેલા રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ અંતર્ગતની યોજનાઓની થયેલી કામગીરીની સમીક્ષા કરતા ચર્ચા વિચારણા કરી જરૂરી રચનાત્મક સલાહ સુચનો કર્યા હતા. તેમજ ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઉભી ના થાય અને જે કામગીરી પુર્ણ કરી લોકોને પીવાના પાણીની સવલતો મળી રહે તેવી તાકીદ કરી હતી. સાથે રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ હેઠળ સંબધિત ગામની પાણી સમિતી દ્વારા રજૂ થયેલી નવીન પાણી પુરવઠા યોજનાઓની રૂપિયા 5.18 કરોડ ઉપરાંતની રકમના 36 ગામોના કામોની સૈધ્ધાતીક મંજૂરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનીટ મેનેજર એ.જી રાજપુરાએ રાષ્ટ્રીય પય જળ યોજના અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તુત વિગતો રજૂ કરી હતી. તેમજ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકા ભાભોર, MGVCL ના જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના નિકુંજ શર્મા, જિલ્લા કોઓર્ડીનેટર શન્ની પટેલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.