ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે ઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના વાતાવરણમાં મંગળવારે અચાનક પલટો આવતાની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. મહિસાગર પંથક સહિતના અનેક ગામોમાં અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કોઈક જગ્યાએ ધીમીધારે તો કોઈક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે બાલાસિનોર તાલુકાના ડખરીયામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલી ડાંગર આડી પડી ગઈ છે. તેમજ પશુઓ માટે ઘાસચારો પલળી ગયો હતો. જિલ્લામાં બાજરી, કપાસ, મગફળી, સહિતના ઉભા પાક તૈયાર હોઈ અને માત્ર ગણતરીના દિવસોમાં જ આ પાકનું વેચાણ થવાનું હોય ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.