મહીસાગર: કોરોના વાઇરસના સક્રમણને રોકવા માટે લોકડાઉન ચાલે છે, ત્યારે વતન બહાર દૂર-દૂર જઈને મજૂરી, ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરતા આદિવાસી લોકો પોતાના વતન પરત આવી ગયા છે, ત્યારે મહીસાગર જિલ્લાના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ આજે આવી કપરી પરિસ્થિતિમાં પણ આ આદિવાસી પરિવાર માટે ખુશ ખબર લઈને આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ટીમરું પાનને ત્વરિત લઘુ ઉધોગમાં આવરી લઈ ટીમરું પાનની ગુજરાત રાજ્ય વન વિભાગના નિગમ દ્વારા ખરીદી કરતા મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારના 66 ગ્રામપંચાયતના 140 ગામમાં વસતા 12,000 જેટલા આદિવાસીઓએ ટીમરું પાનના વ્યવસાય થકી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મેળવી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં ગાઢ ડુંગરાળ વિસ્તારમાં વસતા ગરીબ આદિવાસી લોકો પોતાનું ગુજરાન વરસાદ આધારિત ખેતી અને અહીના જંગલોમાં થતી વન પેદાશોને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. મહીસાગર જિલ્લામાં ટીમરુ પાન એકઠા કરી પોતાની રોજી રોટી કમાતા ગરીબ આદિવાસીઓ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ચોમાસાની ખેતી સિવાય આવકનું બીજું કોઈ સાધન હોયતો તે મજૂરી છે, પરંતુ હાલ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન ચાલે છે ત્યારે વતન બહાર દૂર દૂર જઈને મજૂરી, ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા આદિવાસી લોકો પોતાના વતન પરત આવી ગયા છે. તેવા સમયે જંગલોમાં થતી વન પેદાશો પણ જીવન નિર્વાહ માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થાય છે. આ સમયમાં આદિવાસીઓ ટીમરું પાન એકત્રિત કરી તેને વેચીને કમાણી કરવામાં પરોવાયેલા જોવા મળે છે.
આદિવાસીઓ સવારે વહેલા ઉઠીને જંગલમાં જઈને ટીમરું પાન તોડી ભેગા કરી તેને ઘરે લાવી આખો દિવસ પાન પર પાન ગોઠવી 50 પાનની જુડી બનાવવામાં આવે છે. આ બનાવેલા જુડી સાંજે ગામમાં ફાળવાયેલા ફળમુન્સી પાસે વેચવા લઇ જવામાં આવે છે અને ફળમુન્શી પાનાની ઝૂડી ગણીને તરત જ રોકડા નાણા ચુકવી દે છે.
ગયા વર્ષે ટીમરું પાનના 100 પૂળાનો ભાવ 90 રૂપિયા હતો. આ વર્ષે ભાવમા 20 રૂપિયાનો વધારો થયો છે અને ચાલુ વર્ષે 100 પૂળાનો ભાવ 110 રૂપિયા થયો છે. અંદાજે એક વ્યક્તિ દિવસના 200થી 250 જેટલા જુડા બાંધે તો 220થી 300 રૂપિયા જેટલો રોજગાર મળી રહે છે. આ રીતે કોઈ મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક બે હઝાર રુપિયાથી ત્રણ હઝાર રૂપિયા જેટલી થઈ જાય છે.
બીડી બનાવવાના ગૃહ ઉદ્યોગમાં વપરાતા સારી જાતના ટીમરુ પાનની દેશભરમા સારી માંગ હોવાથી નીગમ દ્વારા ટીમરુ પાનને ખરીદી કરી મહારાષ્ટ્રમાં ટ્રકો ભરીને માલ જાય છે, ફળ સેન્ટર પર ટીમરુ પાનને જમીન પર પાથરી સુકવવામા આવે છે, તાંબા કલરનો પાકો રંગ આવે પછી તેને બારદાનમા પેક કરી ટ્રકો મારફતે રવાના કરવામા આવે છે. સ્થળોએ નિગમ દ્વારા નક્કી કરેલા એક યુનીટ પર 10થી 15 ફળ સેન્ટરો રાખવામા આવે છે. ગુજરાતમાં અંબાજી, ડાંગ, મહીસાગર,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નસવાડી, ભરુચ, નર્મદા, સાબરકાંઠાના જંગલોમાં ટીમરુપાનનું મબલખ ઉત્પાદન થાય છે. આદિવાસી પરિવારને લોકડાઉનના કપરા સમયમાં રોજગારી મળતા ખુશ ખુશાલ છે.