લુણાવાડાઃ કોરોના સંકટકાળમાં પણ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા મહીસાગર જિલ્લામાં પણ ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બનાવવાની દિશામાં પશુપાલનનો વ્યવસાય કરી આર્થિક પ્રગતિની દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવતા પશુપાલકો માટે ઘનિષ્ઠ સહિયારા પ્રયાસોથી બે ગાયની ધિરાણ આપવાની યોજનાનો નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજૂરી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્ક ઓફ બરોડા અને દૂધમંડળીઓ સાથેનો MOU કરીને પશુપાલકોને બે ગાય માટે લોન આપી નવતર આત્મનિર્ભર પ્રોજેકટને પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં વિરપુર તાલુકાની ત્રણ દૂધ મંડળીઓ હાંડીયા, વરધરા, સારીયા દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તાલુકામાં દૂધમંડળીઓમાં 5,000 થી વધુ પશુપાલકોને આ નવતર પ્રોજેકટનો લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
દૂધ મંડળીના પશુપાલકોને બે ગાયો માટે લોન મંજૂરીપત્રો આપવામાં આવ્યા પશુપાલકોના દુધ ઉત્પાદનમાં પણ વધારો થશેઆ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું હતુ કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા જે બે ગાયો આપવાની યોજનાની લોન આ તાલુકાના લાભાર્થીઓને લાભ આપવામાં છે અને જે પશુપાલકોએ ગાય ખરીદેલ છે. જેનાથી તેમનું જીવન ધોરણ ઉચું આવશે તેમજ દુધ ઉત્પાદનમાં પણ વધારો થશે. સાથે સાથે મળેલી લોનના હપ્તા સમયસર ભરવા સાથે તેમની આર્થિક સ્થિતિમાં વધારો થશે. કલેકટરે ગાય મેળવનાર પશુપાલકોને શુભેચ્છા પાઠવી હતી.
પશુપાલકોએ પશુ ખરીદી કરી ગાયનું વિધિવત પૂજન કર્યું આ પ્રોજેકટ અંતર્ગત વિરપુર ડીવાઇન સ્કૂલ ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા આયોજિત કિસાન કેમ્પમાં રિજીઓનલ મેનેજર વીણાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ સહિત બેંકના અધિકારીઓ, મહાનુભાવોના હસ્તે પશુપાલકોને લોનમંજૂરી પત્ર આપવામાં આવ્યા. આ કિસાન કેમ્પમાં ગોધરા રિજીઓનલ આદિત્ય કનોજીયા, યુવા અગ્રણી જ્યેન્દ્ર બારોટ, અમુલ ડિરેકટર સાયબેસિંહ, અગ્રણી એસ.બી.ખાંટ, લીડ બેન્ક મેનેજર પટેલ સહિત બેક અધિકારીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પંજાબથી આવેલા પશુ વેપારીઓની મુલાકાત કરવામાં આવી અને લોન મંજૂરીથી ખુશ પશુપાલકોએ પશુખરીદી કરી ગાયનું વિધિવત પૂજન કર્યું હતું.