સવારે 9:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ઉડાડવા લોક જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાથે સાથે ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટીક કે કાચના માંજા વાળી દોરીઓનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારની કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પ લાઇન નંબર 1962 સાથે કાર્યરત છે. આ અભિયાન 20મી જાન્યુઆરી- 2020 સુધી ચાલનારી હોવાથી આ અંતર્ગત મહીસાગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં વન વિભાગ અને પશુપાલન શાખા અને જિલ્લા વહિવટી તંત્રના વિવિધ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને જિલ્લા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ-મહિસાગરના N.G.O. અને સ્વયંસેવકો કરૂણા અભિયાનમા કાર્યરત છે.
આ કાર્યક્રમને સફળતા મળે અને પતંગ દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય અને આ માટે લોક જાગૃતિ કેળવાય તે માટે જિલ્લાના શાળાઓના વિદ્યાર્થીઓને કરૂણા અભિયાન અંતર્ગત લેવડાવવાની પ્રતિજ્ઞા સાથે સાથે રેલીઓ પણ યોજાઇ રહી છે. પક્ષી બચાવો અભિયાન મહીસાગર કરૂણા અભિયાન-2020 અંતર્ગત મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા નગરમાં "પક્ષી બચાવો અભિયાન - 2020 " માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં લુણાવાડાની એસ.કે.હાઇસ્કૂલ ઉત્તરાયણ પર્વ નિમિતે વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ " પતંગ કાપો, પાંખ નહીં " અને "ચાઇનીઝ દોરી, બંધ કરો" જેવા સ્લોંગનો સાથે જોશભેર રેલીમાં જોડાયા હતા.
જી. વી. કે. ઈ. એમ.આર.આઈ. દ્વારા ઉત્તરાયણ પર્વ ને ધ્યાનમાં રાખી ઈમરજન્સી - 108 તૈનાત રહેવા માટે સૂચના અપાઈ છે તહેવાર હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાય તે માટે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરને સજ્જ રહેવા માટે સૂચનાઓ અપાઈ છે.અકસ્માત સમયે તેને પહોંચી વળવા માટે એબ્યુલન્સ ઝડપથી કેસમાંથી મુક્ત થઈ અન્ય ઈમરજન્સી માટે તૈનાત રહે તે માટે મહીસાગર જિલ્લામાં 12 ઈમરજન્સી વાન સાથે તમામ હોસ્પિટલો સાથે સંકલન રાખવા માટે જણાવાયું છે.
આ ઉપરાંત સંતરામપુર , લુણાવાડા અને બાલાસિનોર નગરપાલીકાઓના વિસ્તારમાં આ અભિયાન અંગે લોક જાગૃતિ કેળવાય તે માટે પ્રસાર માધ્યમોમાં પક્ષી સારવાર કેન્દ્ર તેમજ આ અભિયાનમાં જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓના નામ તેમજ સરનામાં અને તેઓના ફોન નંબરો ની માહિતી અંગેની અગત્યના સ્થળોએ બેનરો લગાવી હેન્ડબીલ બનાવી લોકોના ઘરો સુધી પહોચાડી લોકજાગૃતિ કેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
તેમ જ મહીસાગર વન વિભાગ નાયબ વન સરક્ષક આર.ડી. જાડેજાએ અખબારી યાદીમાં જણાવયું છે તેમણે વધુમાં કોઈ ઘાયલ પક્ષી નજરે પડે તો તરત જ ઇમરજન્સી નંબર : 1962 / 108-એમ્બ્યુલન્સ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ કંટ્રોલ રૂમ નં-(02674)-252300/301 ટોલ ફ્રી નં-1077. નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.