લૂણાવાડાઃ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીને સમર્પિત મહિલા સશક્તિકરણની દિશામાં સામાજિક, આર્થિક પડકારો વચ્ચે આગવી ઓળખ ઉભી કરતી મહિલા ખેડૂતોની કહાની સમાજમાં પ્રેરક બને છે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકાર આઇ-ખેડૂત પોર્ટલ ચલાવે છે. જેની મદદે લીલાબહેન પટેલનું જીવન હર્યુંભર્યું થયું છે.
મહીસાગર જિલ્લાના દેનાવાડ ગામના મહિલા ખેડૂત લીલાબહેન પટેલના પતિ ભીખાભાઇ પટેલ 15 વર્ષ પહેલાં અણધારી રીતે જીવનલીલા સંકેલી લેતાં પરિવારનો આધાર ગુમાવતા વિધવા લીલાબેનનો સુખનો સંસાર વેરણ છેરણ થઇ ગયો. એક હેક્ટર જેટલી જમીનમાં ખેતી અને પશુપાલન કરીને સંઘર્ષમય જીવન ગુજરાન કરતાં હતાં તેવા સમયે ખેતીવાડી વિભાગની AGR 50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદીમાં સહાય મેળવી પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી સ્વમાનભેર જિંદગી જીવી રહ્યાં છે.
લીલાબહેનના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. સરકારના ખેતીવાડી વિભાગની AGR 50 ટ્રેકટર સહાય યોજના વિશે તેમને ઓનલાઈન આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી તેમની અરજી મંજૂર થતાં તેમને ટ્રેકટર ખરીદીમાં સરકારની 45,000 રૂપિયાની સહાય મળી. તેમનો પુત્ર નવનીત માતાની આ સંઘર્ષયાત્રામાં સહભાગી થઇ આ ટ્રેકટરની મદદથી પોતાની ખેતીના ખર્ચ અને સમયમાં ઘટાડો કરી લીલાબેનના પરિવારની આવકમાં ઉત્તરોત્તર વધારો કરવા મદદરૂપ થાય છે. પોતાની તેમ જ અન્ય ખેડૂતોની ખેડ તેમજ થ્રેસરના સંચાલનથી ટ્રેકટર તેમના પરિવારમાં આવકનું મહત્વનું સાધન બન્યું છે.
લીલાબહેન ખેડૂતો માટે સહાયરૂપ યોજના અંગે સરકારનો આભાર વ્યકત કરતાં કહે છે કે એક વિધવા મહિલા માટે કપરી આર્થિક સ્થિતિમાં જીવન જીવવું મુશ્કેલ હોય છે તેવામાં આવી સરકારની ખેડૂતલક્ષી યોજનાની સહાય સહારારૂપ બની છે.