ગુજરાત અને રાજસ્થાનની સીમા પાસે છેવાડાના વિસ્તારમાં તેમજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે રહેતા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થી રાવળ અરવિંદભાઈ વિરાભાઈ બંને પગના 90 ટકા દિવ્યાંગ છે. તેમના લગ્ન મોટીરાઠ ગામના રાવળ સવિતાબેન મણિલાલ સાથે થયા છે. પરંતુ, બંને પરિવાર ગરીબ અને તેમની પરિસ્થિતિ નબળી હતી જેથી લગ્ન થયા બાદ નવ દંપતિ અને તેમના પરિવાર માટે લગ્નનો ખર્ચ બોજારૂપ હતો.
આવા સમયે તેમને જાણકારી મળી કે જો કોઈ ઉંમર લાયક દિવ્યાંગ લગ્નગ્રંથીથી જોડાય તો રાજ્ય સરકાર તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ આ યોજના હેઠળ આર્થિક સહાય આપે છે. આ યોજનાનો લાભ આપવા અને આર્થિક મૂંઝવણ દૂર કરવા સમાજ સુરક્ષા કચેરી બંને દિવ્યાંગોની મદદે આવી હતી. નવદંપતિએ લગ્ન સહાય યોજના માટે અરજી કરી. આમ, આ દિવ્યાંગ દંપતિને 50-50 હજાર એમ મળી કુલ રૂપિયા 1લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.
બાદમાં તેમણે દિવ્યાંગ સહાય યોજના હેઠળ મળેલ રકમ દ્વારા બંને દિવ્યાંગોએ લગ્ન સમયનું દેવું ચુકવ્યું અને બાકી રહેલ સહાયની રકમ દ્વારા અરવિંદભાઈ રાવળે કડાણા તાલુકાના મુનપુર ગામે બસસ્ટેશન પાસે દુકાન ભાડે રાખી ટીવી તેમજ ઈલેકટ્રોનિકસ સાધનોના રીપેરીંગ માટે નવો રોજગાર શરૂ કર્યો. હાલમાં તેઓ સ્વરોજગારીથી આશરે માસિક રૂપિયા 4000/- ની આવક મેળવી રહ્યા છે.
દિવ્યાંગ લગ્ન સહાયના લાભાર્થી રાવળ અરવિંદભાઈ દિવ્યાંગ જનોને સંદેશો આપતા જણાવે છે કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી આર્થિક સહાય મળે છે. જેથી સમાજમાં પણ દિવ્યાંગો માન અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. એટલું જ નહિં સ્વ રોજગારીની સાથે સાથે સારું જીવન ધોરણ મળ્યું છે જેથી હું ગુજરાત સરકારનો આભારી છું.