આ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધન કરતા જિલ્લા કલેક્ટર આર.બી બારડે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે 2 જાન્યુઆરી 2020ના રોજ સવારના 9:30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો અનાવરણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી સંકલનમાં રહી ટીમવર્કથી કરવા તાકીદ કરી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર.આર.ઠક્કરે કોઠંબા ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આગોતરૂ સુચારૂ આયોજન કરી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજળી પુરવઠા, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય વિષયક અને સફાઇ વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાદવ, પ્રાંત અધિકારી મોડીયા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.